National News: ભારતીય વાયુસેનાએ સોમવારે આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાના પિચીકાલાગુડીપાડુ ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-16 પર એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું હતું. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી.
બાપટલા પોલીસ અધિક્ષક (SP) વકુલ જિંદાલે જણાવ્યું હતું કે બે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (AN-32 અને ડોર્નિયર) પરીક્ષણનો ભાગ હતા. ભવિષ્યમાં કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે ભારતીય વાયુસેનાની ઈમરજન્સી સજ્જતાને મજબૂત કરવાના ભાગરૂપે આ કવાયત હાથ ધરવામાં આવી હતી.
ટેસ્ટ લેન્ડિંગ કવાયત સફળતાપૂર્વક પૂર્ણ થઈ
જિંદાલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે ટેસ્ટ લેન્ડિંગ કવાયત સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. આ લેન્ડિંગ કવાયતમાં બે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (AN-32 અને ડોર્નિયર) ઉતર્યા હતા. જિંદાલે કહ્યું કે NH-16 પર 4.1 કિમી લાંબી ઈમરજન્સી લેન્ડિંગ સુવિધા યુદ્ધ દરમિયાન એરક્રાફ્ટ લેન્ડ કરવાના વિકલ્પ તરીકે ઉપલબ્ધ હશે.
પ્રેક્ટિસ માટે ટ્રાફિક ડાયવર્ટ કરાયો
જણાવી દઈએ કે, આ કવાયત સવારે 11 થી 1 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં બે વખત કરવામાં આવી હતી અને આ કવાયતને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે, બાપટલા જિલ્લા પોલીસે સવારે 7:30 થી 1 વાગ્યા સુધી હાઇવે પરનો ટ્રાફિક પ્રતિબંધિત કર્યો હતો.