
મોરબીના જેતપરમાં ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, જે મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી. મીડિયાને સંબોધન કરતા ‘આપ’ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે ભાજપ સરકાર ખૂબ જ અત્યાચાર કરી રહી છે. ભાજપ સરકાર એવી રીતે વર્તી રહી છે જાણે કંપનીઓની માલિક બની ગઈ હોય! કંપનીઓ પ્રાઇવેટ રીતે કમાવવા આવી છે અને તેમને કરોડો રૂપિયાનો નફો મેળવવો છે, પરંતુ અત્યારે કંપનીઓ ખેડૂતોના ભોગે નફો રળવા માટે તૈયાર થઈ છે. ભાજપ સરકાર આ કંપનીઓ સાથે મળીને, ભગત ભોગે (અથવા સાથ-સહકાર આપીને) પોલીસ પ્રોટેક્શન પૂરું પાડી ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આજે મોરબીના જેતપરમાં જે ખેડૂતો પોતાની મહામૂલી જમીન બચાવવા માટે છેલ્લા આઠ દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા છે, તેમાં મહિલાઓ પણ સામેલ છે. તેમની તબિયત હવે નાજુક થવા લાગી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મને અને આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓને ખૂબ ચિંતા થાય છે કે આ બહેરી-મૂંગી સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રી એસી ચેમ્બરમાં જલસા કરી રહ્યા છે, જ્યારે આખા દેશને અનાજ ખવડાવનારો મારો ખેડૂત અત્યારે ભૂખ્યો બેઠો છે. અત્યારે ખેડૂતોની હાલત ખૂબ નાજુક થઈ ગઈ છે, ત્યારે સરકાર પાસે અમારી પહેલી માંગણી એ છે કે મુખ્યમંત્રી અને મંત્રીઓ જેતપર ગામના લોકોને મળે, તેમની માંગણીઓ યથાસંભવ સ્વીકારે અને વહેલી તકે તેમના ઉપવાસ પારણા કરાવીને પૂર્ણ કરાવે. મને જાણ છે ત્યાં સુધી આ ભાજપના જ એક મંત્રીનું ગામ છે. એ જ મંત્રીના ગામમાં પહેલા તો ખેડૂતો પર લાઠીઓ વરસાવવામાં આવી અને હવે ખેડૂતો આમરણ ઉપવાસ પર બેઠા છે, જેમાં તેમની તબિયત પણ લથડી છે. તેથી સરકાર એક કલાકનો પણ સમય બગાડ્યા વગર મુખ્યમંત્રી કક્ષાએ આ ખેડૂતો સાથે તાત્કાલિક મીટિંગ કરે અને આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે બીજી મારી એ વાત છે કે, આ માત્ર જેતપરનો જ મુદ્દો નથી. જે રીતે માહિતી મળી છે અને ન્યૂઝપેપરે પણ છાપ્યું છે તે જોતાં, ગુજરાતમાં ખાનગી કંપનીઓ અને ભાજપના કેટલાક મોટા નેતાઓ વચ્ચે ગુપ્ત બેઠકો થઈ છે. આખા ગુજરાતમાં કરોળિયાના જાળાની જેમ થાંભલાઓ નાખીને હાઈ ટેન્શન વીજ લાઈનો બિછાવવાનો એક બહુ મોટો પ્લાન તૈયાર કરાયો છે. સરકારે આ અંગે ખુલાસો કરવો જોઈએ કે કેટલી લાઈનો નાખવાની છે, ક્યારે નાખવાની છે અને કઈ રીતે નાખવાની છે? અમને મળેલી પ્રાથમિક માહિતી મુજબ, આ યોજના માત્ર જેતપર, મોરબી, કચ્છ, દ્વારકા, રાજકોટ કે જામનગર પૂરતી સીમિત નથી. સરકારે ગુજરાતના ૨૬ જિલ્લાઓમાંથી આવી ૧૦૦ જેટલી હેવી હાઈ ટેન્શન લાઈનો પસાર કરવાનું નક્કી કર્યું છે. તે પણ ખેડૂતોના ભોગે અને તેમની ફળદ્રુપ જમીનમાંથી, કોઈ બિનઉપજાઉ જમીનમાંથી નહીં! અંદાજે એક લાઈનની લંબાઈ ૫૦૦ કિલોમીટરની છે અને આવી ૧૦૦ લાઈનો નાખવાનું નક્કી થયું છે. જો એક લાઈનમાં ૧૫૦૦ જેટલા થાંભલા આવે, તો વિચાર કરો કે ૧૦૦ લાઈનમાં કેટલા થાંભલા આવશે? એટલે કે લગભગ દોઢ લાખ જેટલા થાંભલા ખેડૂતોના ખેતરોમાં, તેમની કાળજાના કટકા સમાન જમીનની છાતી ચીરીને નાખવામાં આવશે અને તેના માટે પોલીસ પ્રોટેક્શન પણ તૈયાર રાખવામાં આવ્યું છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારવાનું બંધ કરો. તમે ખેડૂતો પર અત્યાચાર કરશો, પોલીસ મોકલશો, ખોટા કેસ કરશો, ડરાવશો કે ધમકાવશો, તો કદાચ ખેડૂતો થોડા સમય માટે પાછા હટશે, પણ કમ સે કમ ઈશ્વરનો અને તમારા ભગવાનનો તો ડર રાખો! જો તમારી આ યોજના ખેડૂતોના હિતમાં હોય, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં તમે આ કામ કેમ શરૂ ન કર્યું? જો તમારો ઈરાદો સાફ હોત તો સરકારે ખેડૂતો સાથે સમાધાન કર્યું હોત. જો વળતર પૂરું ન આપવું હોય અને અન્યાય જ કરવો હોય, તો હું સરકારને પડકાર ફેંકું છું કે ચૂંટણીના ત્રણ મહિના પહેલાં, ઓક્ટોબર ૨૦૨૭માં આ થાંભલા નાખવાની કામગીરી શરૂ કરીને બતાવો, તો ખબર પડે કે તમારામાં કેટલી હિંમત છે! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પતી ગઈ અને વિધાનસભાની ચૂંટણીમાં હજી દોઢ-પોણો બે વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે તમે આ કામ ચાલુ કર્યું છે. એટલે જ સરકારની દાનત સામે સવાલ થાય છે. સવાલ એટલા માટે થાય છે કે આમાં મારા લાખો ખેડૂતો પીડાઈ રહ્યા છે. એક અંદાજ મુજબ, પ્રતિ કિલોમીટરે ૭૭ વીઘા જમીન આમાં અસરગ્રસ્ત થાય છે. હું તમામ ખેડૂતોને પણ કહું છું કે હવે બધા એક થઈ જાઓ. આજે આ આફત કોઈ એકના ખેતરમાં છે, કાલે તમારા ભાઈના કે તમારા ખેતરમાં આવશે, કારણ કે આ કરોડો રૂપિયાનો મોટો પ્લાન છે. આ યોજનાથી લગભગ ૩૮ લાખ વીઘા જમીન પર થાંભલા પડવાની શક્યતા છે, જેમાં સાડા પાંચ લાખથી વધુ ખેડૂતો અને તેમના પરિવારો તથા મજૂરો મળીને અંદાજે ૩૦ થી ૪૦ લાખ લોકો અસરગ્રસ્ત થવાના છે, છતાં આ બાબતે કોઈ ચર્ચા થતી નથી.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે સરકાર પાસે મારી સીધી માંગણી છે કે, આ મુદ્દે કલેક્ટર કક્ષાની નહીં પરંતુ રાજ્ય કક્ષાની (State Level) ‘વળતર કમિટી’ની રચના કરવામાં આવે. આ કમિટીમાં ઉચ્ચ અધિકારીઓ, કેન્દ્રના પ્રતિનિધિઓ અને સાથે જ અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓ પણ સામેલ હોવા જોઈએ. વળતર એવી રીતે નક્કી કરવામાં આવે કે આગામી ૨૫ વર્ષ પછી જમીનની જે અંદાજિત કિંમત થવાની હોય, તે ધ્યાને લેવાય. સરકાર ખેડૂતોને યોજનામાં ભાગીદાર બનાવે અથવા તો એવું વળતર આપે કે દર મહિને થાંભલા દીઠ લાખ રૂપિયા જેવું ભાડું મળે. જે પણ વળતર નક્કી થાય, તેમાં ખેડૂતોની સંમતિ હોવી અનિવાર્ય છે.આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને આ મામલે અમે આખરી શ્વાસ સુધી સંઘર્ષ કરીશું. આગામી ૨૭ તારીખે સુરેન્દ્રનગરમાં સાંજે ૪ વાગ્યે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય કક્ષાની ‘કિસાન મહા પંચાયત’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી ઠરાવ પસાર કરવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર આંદોલનના કાર્યક્રમો અપાશે. જો સરકાર અમારી આ ન્યાયિક માંગણીઓ નહીં સ્વીકારે, તો આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી આ હાઈ ટેન્શન લાઈન વિરુદ્ધ ઉગ્ર કાર્યક્રમો કરશે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેમણે આદિવાસી સમાજનો અવાજ બનવાનો ‘ગુનો’ કર્યો છે, આદિવાસીઓને જાગૃત કરવાનું કામ કર્યું છે, તેમના પર સરકાર કિન્નાખોરી રાખી રહી છે. ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને, ડરાવી-ધમકાવીને તેમને ભાજપમાં લાવવાના તમામ પ્રયત્નો કર્યા, પણ જ્યારે એ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે ચૈતરભાઈ વસાવા પર ડે-ટુ-ડે (રોજબરોજ) કેસ ચલાવીને સાત વર્ષની સજા કરાવી દેવામાં આવી. આ અન્યાયને લઈને સમગ્ર આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ, માતા-બહેનો અને દીકરીઓમાં ભાજપ સામે ભારે રોષ છે અને આખા ગુજરાતમાં આનો વિરોધ થઈ રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે, અમે ૨૬ તારીખે તમામ જિલ્લાઓમાં ‘આઈ સપોર્ટ ચૈતર વસાવા’ (I Support Chaitar Vasava) ના નારા સાથે જનજાગૃતિ અભિયાન કે રેલી કાઢીશું. ત્યારબાદ ૨૮ તારીખે અને ૩૦ તારીખે પણ અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ અંતર્ગત વિધાનસભા અને જિલ્લા પંચાયત સ્તરે ૧૦૦૦ જેટલી નાની-મોટી બેઠકો કરીને ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ‘સિગ્નેચર કેમ્પેઈન’ (સહી ઝુંબેશ) ચલાવીશું. અમે લોકોને જાગૃત કરીશું કે કઈ રીતે આદિવાસી સમાજનો અવાજ બનેલા અને ગરીબ ખેડૂતો-આદિવાસીઓ માટે લડનારા એક લોકપ્રિય ધારાસભ્યને ભાજપે ખોટા કેસમાં ફસાવીને આ સજા કરાવી છે. આ કાનૂની લડાઈ માટે આજે જ અમે અમારા ૮ નિષ્ણાત વકીલોની એક ટીમ બનાવી છે, જેમાં દિલ્હી સ્તરના તેમજ ગુજરાતના નામાંકિત વકીલો સામેલ છે. આગામી બે થી ત્રણ દિવસની અંદર જ અમે હાઈકોર્ટમાં આ સજા વિરુદ્ધ અપીલ કરવા જઈ રહ્યા છીએ. આ મામલે અમારે જો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવું પડશે, તો ચૈતરભાઈ અને તેમના સાથી મિત્રો માટે આમ આદમી પાર્ટી સર્વોચ્ચ અદાલત સુધી લડવા માટે એકદમ તૈયાર છે.
https://www.facebook.com/share/v/1NTkoViFMC/





