
ઈરાને હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પે ઈરાન પર લગાવ્યો યુદ્ધ વિરામનો ભંગ કરવાનો આરોપ અમેરિકાના રાષ્ટ્રપતિએ ૨૫ જૂનના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજ પર મિસાઈલ હુમલા બાદ આ નિવેદન આપ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (૨૬ જૂન, ૨૦૨૬) ઈરાન પર યુદ્ધવિરામ કરારનો ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ૨૫ જૂનના રોજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા એક કોમર્શિયલ જહાજ પર મિસાઈલ હુમલા બાદ આ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પના મતે ઈરાને હુમલો કર્યો હતો, જ્યારે અમેરિકન સેનાએ ત્રણ અન્ય ડ્રોનને રોકી દિધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથસોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજાે પર ઓછામાં ઓછા ચાર વન-વે એટેક ડ્રોન છોડ્યા હતા. આમાંથી એક ડ્રોન સીધો એક મોંઘા કોમર્શિયલ જહાજના ઉપરના ડેક પર અથડાયો હતો. હુમલાથી જહાજને નુકસાન થયું હતું, પરંતુ તે તેની મુસાફરી ચાલુ રાખવામાં સફળ રહ્યું. બાકીના ત્રણ ડ્રોનને અમેરિકન સેના દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા.” ટ્રમ્પે તેને યુદ્ધવિરામ કરારનું મૂર્ખતાપૂર્ણ ઉલ્લંઘન ગણાવ્યું હતું.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી અંતરરાષ્ટ્રીય મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO), એ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજાે અને ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું પોતાનું કાર્ય સ્થગિત કરી દીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સે યુએસ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ જહાજ પર હુમલો કર્યો હતો. ઈરાને ચેતવણી આપી હતી કે જાે જહાજાે તેના નિર્ધારિત રસ્તાઓનું પાલન નહીં કરે તો કાર્યવાહીનો સામનો કરી શકે છે તેના થોડા કલાકો પછી જ આ હુમલો થયો.
બ્રિટિશ નૌસેના એજન્સી (UKMTO) અનુસાર, ઓમાનના દરિયાકાંઠે જહાજ પર મિસાઇલ અથવા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં કંટ્રોલ રૂમને નુકસાન થયું હતું, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. સૂત્રોએ જહાજની ઓળખ “એવર લવલી” (Ever Lovely) તરીકે કરી હતી. જેના ઉપર સિંગાપોરનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો.
શુક્રવારે સંયુક્ત આરબ અમીરાતમાં ટેકનિકલ ખામીને કારણે મિસાઈલ ચેતવણીએ આ ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને વધુ ઉજાગર કર્યો, જે તાજેતરના દિવસોમાં લેબનોનમાં કાર્ગો જહાજ પર હુમલો અને ઇઝરાયલી હુમલાઓ બાદ વધ્યો છે. મોબાઇલ ફોન પર મળેલી આ ચેતવણીએ દુબઈ શહેર-રાજ્યમાં ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા; વચગાળાના યુદ્ધવિરામ પછી આ પ્રકારનું આ પ્રથમ એલર્ટ હતું.





