
રવિવારનાં લેખ માટે શું લખવું એ વિચારતી હતી! જેઠ મહિનાનાં તહેવારો વિષે લખું! કે કોઈ ખાસ દિવસ આવે છે કે નહીં એનું સર્ચ કર્યું, અને એક વિશેષ વિષય મળી ગયો! 30 જૂન એસ્ટ્રોઈડ દિવસ! એ શું છે એ આપણે પછી જોઈએ! પરંતુ હિન્દુ સંસ્કૃતિમાં જેને સૌથી વધુ મહત્વ અપાયું હોય તો એ ખગોળ શાસ્ત્ર છે! અને ગ્રહ નક્ષત્રનાં સ્થાન મુજબ વાર, તિથિ, અને મહિનાઓની તેમજ સૂર્ય વર્ષ, કે ચંદ્ર વર્ષ એમ ગણતરી કરવામાં આવે છે, અને જેને આપણે પંચાંગ કહીએ છીએ! નાસા અને ઈસરોની સ્થાપના પણ નહોતી થઈ, ત્યારથી આપણી સંસ્કૃતિનાં ઋષિઓના બહોળા જ્ઞાનને કારણે ખગોળિય ઘટનાઓ વિશે એટલે સૂર્ય ચંદ્ર ગ્રહણ, ચોઘડિયા, ગ્રહ નક્ષત્રની ગોઠવણી મુજબ રાશિ, તિથિનો ક્ષય કે એક તિથિ બે વાર વગેરેની એડવાન્સ ગણતરી કરી આખાં વર્ષનું પંચાંગ બહાર પડે છે! આ ગ્રહ લઘુગ્રહ કે ઉલ્કા પિંડ આ બધું જ આપણા જીવનને કેટલું પ્રભાવિત કરે છે! એની માટે જ જ્યોતિષશાસ્ત્ર છે! પરંતુ હાલ આગ્રહ નિગ્રહ માંથી જ જાણે માનવી નામનો વિગ્રહ બન્યો હોય એવું એનું વ્યક્તિત્વ થતું જાય છે, બાકી અવકાશનાં ગ્રહો એટલાં નથી નડતાં જેટલાં ખુદનાં આગ્રહો નડે છે.
પણ આ એસ્ટ્રોઇડ છે શું? આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી સહિતના આ ગ્રહો અવકાશ ગંગામાં તરે છે! પૃથ્વી પણ તરે છે, અને પોતાની ધરી પર ફરે છે, અને સૂર્ય આસપાસ પણ ફરે છે એટલે દિવસ રાત થાય છે! પણ આ નવ ગ્રહ એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ એટલે કે સૂર્ય અને પ્લુટો! તેમજ પૃથ્વી. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારે આ ગ્રહ બન્યાં, અને પછી જે ખડક કે ધાતું ઓનો કાટમાળ બચ્યો એ છે, એસ્ટ્રોઈડ એટલે કે લઘુગ્રહો! જે મોટેભાગે ગુરુત્વાકર્ષણ નાં કારણે સૂર્યના ગ્રહની આસપાસ તરતા હોય છે! પરંતુ જો ગુરુત્વાકર્ષણનાં મુખ્ય પરિબળમા વધઘટ થાય તો એ ગ્રહ સાથે અથડાય છે! અને બહુ મોટાં પ્રલય જેવી ઘટના ઘટે છે,જે જ્યાં ટકરાય ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ થાય છે! તેનું કોઈ નિશ્ચિત સ્થાન નથી, પરંતુ મોટાભાગના એસ્ટ્રોઇડ મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે આવેલા એસ્ટ્રોઇડ બેલ્ટમાં જોવાં મળે છે. ચોરસ, ત્રિકોણ કે ષટકોણ એવો કોઈ નિશ્ચિત આકાર નથી હોતો, તે અનિયમિત આકારનાં હોય છે, અને તેનું કદ થોડા મીટરથી લઈને સેંકડો કિલોમીટર સુધીનું હોઈ શકે છે. તેનું અસ્તિત્વ ભલે ગ્રહની રીતે અનામી છે, પરંતુ એ અન્ય ગ્રહોની જેમ સૂર્યની આસપાસ જ ફરે છે. હાલના પ્રાકૃતિક પ્રદૂષણનાં પ્રતાપે ગુરુત્વાકર્ષણ વધી જાય તો અમુક એસ્ટ્રોઈડ પોતાની ભ્રમણ કક્ષા છોડી પૃથ્વી નજીક આવી જાય છે! જે સંભવિત ખતરો છે.
30 જૂન એ એસ્ટ્રોઇડ દિવસ ઉજવવાનું કારણ એ છે કે 1908 ની 30 જૂનના રોજ સાઇબેરિયા એટલે રશિયાના ‘તુન્ગુસ્કામા લઘુગ્રહ એટલે એસ્ટ્રોઈડ ટકરાવાની ઘટના બની હતી. આ ઇતિહાસની સૌથી મોટી નોંધાયેલી લઘુગ્રહની અસર હતી, જેના કારણે આશરે 800 ચોરસ માઇલ વિસ્તારમાં કરોડો વૃક્ષો નાશ પામ્યા હતા. આ વિનાશક ઘટનાની યાદમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2016 માં આ દિવસને અધિકૃત રીતે ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી, કે આ રીતે આવાં સંભવિત લઘુગ્રહો પૃથ્વી પર ટકરાઈ શકે છે, અને એનાથી બચવાની જાગૃતિ માટે શું કરવું? આ ઉપરાંત ભૂતકાળમાં આવી બે ત્રણ ઘટનાનો ઈતિહાસ એની ભયંકરતા બતાવે છે. જેમ કે પૃથ્વી પરથી ડાયનાસોરની પ્રજાતિનો નાશ આવી એક દુર્ઘટનાનું કારણ છે. આશરે 6.6 કરોડ વર્ષ પહેલાં ચિક્સલબ નામનો એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે ટકરાયો હતો. તે વર્તમાન મેક્સિકો દેશના યુકાટન દ્વીપ પાસે સમુદ્રમાં ટકરાયો હતો.આ એસ્ટેરોઇડ લગભગ 10 થી 15 કિલોમીટર મોટો હતો. તેના ટકરાવાથી વાતાવરણમાં એટલી મોટી માત્રામાં ધૂળ અને સલ્ફરના વાદળો છવાઈ ગયાં, કે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો બંધ થઈ ગયો. આના કારણે પૃથ્વી પર વર્ષો સુધી લાંબો શિયાળો રહ્યો અને ખોરાકની અછતને લીધે ડાયનાસોર સહિત પૃથ્વી પરનાં આશરે 75% સજીવો નાશ પામ્યા. આવી દુર્ઘટના ઘટે નહીં માટે નાસા અને જાપાનની સ્પેસ એજન્સીઓએ એસ્ટેરોઇડ પર સ્પેસક્રાફ્ટ મોકલીને ત્યાંથી ધૂળ અને પથ્થરોનાં સેમ્પલ પૃથ્વી પર સફળતાપૂર્વક લાવ્યાં છે. ભારત પણ 2029 માં ઈસરો દ્વારા એસ્ટ્રોઈડ પર સંશોધન કરવાની તૈયારી કરી રહ્યું છે! આ ઉપરાંત વૈજ્ઞાનિકો આવાં લઘુગ્રહોની તસ્વીર કલેક્ટ કરીને ત્યાં પ્લેટિનમ, સોનું, ચાંદી, લોખંડ જેવી કિંમતી ધાતુઓ હોય તો એને પૃથ્વી પર લાવી આર્થિક ફાયદો મેળવવાં પણ મથે છે. આ ઉપરાંત આ મોટાં મોટાં એસ્ટ્રોઇડ પર અન્ય ગ્રહની કેવી અસર છે? અને શું ત્યાં માનવ રહેવાસ શક્ય છે કે નહીં! હવામાન અને પાણી છે કે નહીં એનું સંશોધન પણ થાય છે.
વૈજ્ઞાનિકોએ એસ્ટેરોઇડનાં બંધારણ પરથી તેનાં મુખ્ય ત્રણ પ્રકારો બતાવ્યા છે.
**C-પ્રકાર એટલે કે કાર્બોનેસિયસ આ પ્રકાર સૌથી સામાન્ય છે, આકાશ ગંગામાં અને 75% જેટલા એસ્ટ્રોઇડ છે, જે ઘેરા રંગના હોય છે અને કાર્બનથી બનેલા હોય છે.
**S-પ્રકાર એટલે કે જે સિલિકેટની બનેલ છે, આ એસ્ટ્રોઇડ પથ્થર અને આયર્ન મેગ્નેશિયમ ધાતુઓનાં બનેલા હોય છે.
**M-પ્રકાર એટલે કે મેટાલિક એસ્ટ્રોઈડ,જે શુદ્ધ ધાતુઓ મોટે ભાગે લોખંડ અને નિકલનાં બનેલાં હોય છે.
આપણને પ્રશ્ન થાય કે, આટલી વૈજ્ઞાનિક શોધો થઈ છે, તો શું આવાં અકસ્માત રોકવા માટે ખગોળીય વૈજ્ઞાનિકો કંઈ જ કરી શકે નહીં? અત્યારે એ જ મિશન પર નાસા અને ઈસરોના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યાં છે, અને તેઓ સંભવિત અકસ્માત રોકવા એક સ્પેસક્રાફ્ટને એસ્ટેરોઇડ સાથે અથડાવીને તેની ભ્રમણકક્ષા સફળતાપૂર્વક બદલવામાં આવે અને ભૂતકાળમાં આવાં પ્રયોગ સફળ પણ થયા છે.
આપણા સૌરમંડળનો સૌથી મોટો એસ્ટ્રોઈડ સેરેસ છે, તેનું કદ વ્યાસમાં આશરે 940 થી 950 કિલોમીટર જેટલો છે, અને જે ચંદ્ર ગ્રહનાં ચોથા ભાગ જેટલું છે! અને તેને વામન ગ્રહ નામ આપ્યું છે. ગોળાકાર ન્હોય એવાં એસ્ટ્રોઈડની વાત કરીએ તો વેસ્ટા સૌથી મોટો ગ્રહ છે, જેનો વ્યાસ આશરે 525 કિલોમીટર છે.
ભારતની ઈસરો ટીમના ચીફ ડૉ. એસ. સોમનાથના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં પૃથ્વીને બચાવવા માટે એસ્ટ્રોઇડ પર લેન્ડિંગ કરવું અને તેને ડિફ્લેક્ટ એટલે માર્ગ બદલવાની ક્ષમતા વિકસાવવી એ ભારતની ભવિષ્યની મહતવની યોજનાઓમાં સામેલ છે. આ ઉપરાંત ઈસરો અને દેશના વૈજ્ઞાનિકો અન્ય એસ્ટ્રોઇડની શોધ, મોનિટરિંગ અને ગ્રહ સંરક્ષણ ક્ષેત્રે સક્રિય રીતે સંકળાયેલા છે.
પૃથ્વીની એકદમ નજીક અને સંભવિત જોખમી ગણાતા વિશાળ એસ્ટ્રોઇડ એપોફિસ પર ઇસરો ખાસ નજર રાખી રહ્યું છે. તેનાં અભ્યાસ માટે ઇસરો આંતરરાષ્ટ્રીય મિશનમાં ભાગ લેવા પણ ઉત્સુક છે. ઇસરોએ અવકાશમાં રહેલા જોખમી પદાર્થો પર નજર રાખવા માટે નેત્રા નામની સિસ્ટમ વિકસાવી છે.
ભારતના વૈજ્ઞાનિકો ગ્રોથ ઈન્ડિયા ટેલિસ્કોપ જેવા અદ્યતન સાધનોની મદદથી અવકાશમાં એસ્ટ્રોઇડની ગતિવિધિઓ ટ્રેક કરે છે. એક અભ્યાસ યોજના અંતર્ગત ગુજરાતનાં સુરતની બે વિદ્યાર્થીનીઓએ એક નવા એસ્ટરોઇડની શોધ કરી હતી, આની પરથી સાબિત થાય છે કે ભારત મિશન મંગલ પછી આદિત્ય અગિયાર અને આવી અનેક ચેલેન્જ ને સફળતા પૂર્વક પાર કરીને વિશ્વ ને પોતાની ક્ષમતા બતાવી રહ્યું છે! કે જ્યાં ગઈકાલ સુધી દૂર દૂર સુધી એવી શક્યતા દેખાતી નહોતી! ટૂંકમાં ક્ષેત્ર કે વિષય ગમે તે હોય! ભારત મુકાબલો કરવામાં હવે પાછી પાની કરશે નહીં અને પોતાની યોગ્યતા પૂરવાર કરીને રહેશે! જય હિન્દ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)





