(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
વર્ષ ૨૦૦૬માં સુરતમાં આવેલ ભયાનક રેલ માટે જે તે સમયના ગુજરાત રાજયના પાણી પુરવઠા મંત્રી નરોત્તમભાઈ પટેલની ગુનાહિત બેદરકારી અને અધિકારીઓ ધ્વારા થયેલ અનુકરણના કારણે સુરત શહેરમાં ભારે રેલથી કરોડો રૂપિયાનું નુકશાન અને હજારોની સંખ્યામાં પશુઓના મૃત્યુ થયા હતા. સુરત શહેરમાં આવેલ આ રેલથી તાપી કિનારાના વસતા અનેક લોકોના મકાનો, ઝૂપડાઓ, ગાયો-ભેંસો, ઘેટાં-બકરાઓના તબેલા હતા જેના ઉપર તેઓ નિર્ભર હતા તેઓની આજીવિકા આ રેલના પાણીમાં તેઓની આંખની સામે તણાઈ ગઈ હતી. તાપી નદી ઉપર બંધાયેલ ઉકાઈ ડેમના પાણીથી ખેડૂતોને ખેતી માટે ઉપયોગી છે પરંતુ ડેમમાં વધતાં-જતાં પાણીને કંટ્રોલ કરવામાં વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ નીવડેલ છે. જ્યારે તાપી નદીના ઉપરવાસમાં પાણીની આવક વધે આ સંજોગોમાં સમયાંતરે પાણીનું સ્તર જાળવી રાખવું જોઈએ. પરંતુ સરકારી તંત્ર, સરકારી અધિકારીઓ કે મંત્રીઓ આ દિશામાં ક્યારેય પણ વિચાર કરેલ નથી.
તાપી નદીના પૂર, કાકરાપાર ખાડીના પૂર કે બીજી ખાડીઓમા વરસાદ દરમ્યાન પાણી ભરાય એ સમજી શકાય. પરંતુ તેના નિકાલ માટે વહીવટી તંત્ર સદંતર બેદરકારી રાખે અને નિષ્ફળ જાય ત્યારે પૂર આવે છે. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાંથી પસાર થતી કાંકરાપાર ખાડી, મીઠી ખાડી અને કોયલી ખાડીની આજુબાજુના સુરત શહેરમાંથી આ ખાડીઓ પસાર થાય છે.ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધી બંને બાજુએ સ્વાર્થી લોકોએ ભ્રષ્ટાચારી તંત્રના મેળાપીપણામાં બંને બાજુએ એટલા દબાણો કર્યા છે કે પાણીના વહેણને રોકી રાખે છે. આ સત્ય હકીકતથી સરકારી તંત્ર, અધિકારીઓ, મ.ન.પા ના પદાધિકારીઓ તેમજ સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં તે દિશામાં કોઈ સમયસરની ઉચિત કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે વર્ષો-વર્ષ સુરત શહેરમાં થોડા વરસાદમાં પણ ઠેર-ઠેર પાણી ભરાય છે. સુરત મ.ન.પાનું તંત્ર એટલી હદે નિષ્ફળ ગયેલ છે કે બે-પાંચ ઇંચ વરસાદમાં પણ સમગ્ર શહેર પાણી-પાણી થઈ જાય છે. જેના કારણે શાળા કોલેજો બંધ કરવાની ફરજ પડે છે. ૭૦ લાખ ઉપરાંતની વસ્તી ધરાવતા સુરત શહેરમાં જન્મ-મરણ નિશ્ચિત નથી હોતા. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને કારણે ગર્ભવતી મહિલા કે અન્ય રોગીને હોસ્પિટલ ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ કે પ્રાઈવેટ વાહનોમાં હોસ્પિટલ લઈ જવા પણ તકલીફ વેઠવી પડે છે. અને મરણ દરમ્યાન પણ સ્મશાનગૃહમાં સ્મશાનવાહિની કે પ્રાઈવેટ વાહનોને પણ ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડે છે. આવા સંજોગો વારંવાર સર્જાતા હોવા છતાં ખાડીના પાણીને અવરોધતા બાંધકામ દૂર કરવા અંગે મ.ન.પા અને સરકારી તંત્ર નિષ્ફળ ગયેલ છે. સરકાર અને મ.ન.પા ના બેદરકારીના કારણે સુરત શહેરમાં ભારે રેલ આવી અને આ રેલમાં કોઈ કર્મચારી સંજોગો વસાત કે માંદગીના કારણોસર ફરજ ના બજાવી શક્યા તેઓને મ.ન.પા તંત્ર એ નોકરીમાંથી કાયમી ધોરણે છૂટા કરી દેવામાં આવ્યા. અને તેઓનો પરિવાર આજે રસ્તા ઉપર આવી ગયા છે. આ ૨૦૦૬ માં આવેલ રેલ કુદરતી રેલ ન હતી પરંતુ રાજય સરકારના જે તે સમયના ભૂતપૂર્વ કેબિનેટમંત્રી નરોત્તમભાઈ પટેલના આદેશ અને જે તે સમયના કલેક્ટર અને મ.ન.પા ના નફ્ફટ તંત્રના પાપે વર્ષ ૨૦૦૬ માં રેલ આવી તેઓની સામે સરકારે કોઈ પગલાં લીધા નહીં.
સુરત મ.ન.પા એ કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીની ગટરો બનાવી છે. પરંતુ આ વરસાદી પાણીની ગટરો સમયાંતરે સાફ-સૂફી નહીં થવાને કારણે પાણીના વહેણ બંધ થાય છે. અને વરસાદના પાણીનો નિકાલ નહીં થતાં સમગ્ર સુરત શહેરમાં પાણી ભરાય છે. અને શહેરીજનોને મુશ્કેલી વેઠવી પડે છે. સુરત મ.ન.પાના અધિકારીઓ આટલી સીધી સમજ ધરાવતા નથી કે ઈરાદાપૂર્વક આવી બેદરકારી કરી રહ્યા છે. આમ વર્ષ ૨૦૦૬ ની ભારે રેલ પછી પણ સરકારી અને મ.ન.પા તંત્રની બેદરકારી ચાલુ રહેલ છે.





