સાબરમતીના કિનારે ખુલ્લાં ખેતરો વચ્ચે એક નવી રાજધાનીની પ્રથમ ઈંટ મૂકાઈ. તે દિવસે કદાચ કોઈએ કલ્પના પણ નહોતી કરી હોય કે આ નગર એક દિવસ ગુજરાતની રાજકીય ધબકાર, હરિયાળીનું પ્રતીક અને સુઆયોજિત શહેરી વિકાસનું મોડેલ બનશે. આજે, પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરતાં ગાંધીનગર માત્ર એક પાટનગર નથી; તે ગુજરાતના સ્વાભિમાન, આયોજનશક્તિ અને ભવિષ્યદ્રષ્ટિનું જીવંત પ્રતીક છે.

ગાંધીનગરને સમય સાથે અનેક ઓળખ મળી. શરૂઆતમાં તે ‘ગાંધીયન સિટી’ તરીકે ઓળખાયું. ઓછા પ્રદૂષણને કારણે ‘અનપોલ્યુટેડ સિટી’, પછી વિશાળ વૃક્ષારોપણથી ‘ગ્રીન સિટી’, એક સમયે ધુળીયું શહેર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનથી વૈશ્વિક બન્યું. આજે ગિફ્ટ સિટી, મહાત્મા મંદિર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટ્રો કનેક્ટિવિટી અને આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ તેમણે જ વિકસાવી. આ પરંપરા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે.
ભાષાના આંદોલનથી જન્મેલી રાજધાની
1 મે, 1960ના રોજ મહાગુજરાત આંદોલન બાદ ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. સૌથી મોટો પ્રશ્ન હતો—નવી રાજધાની ક્યાં હશે? અમદાવાદ તે સમયનું સૌથી મોટું અને વિકસિત શહેર હતું, છતાં રાજ્યના નેતાઓએ માત્ર તૈયાર શહેરને રાજધાની બનાવવાને બદલે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ નવી રાજધાની ઊભી કરવાનો નિર્ણય લીધો.
ચંડીગઢ અને ભુવનેશ્વર જેવા આયોજનબદ્ધ શહેરોથી પ્રેરણા તો હતી, પરંતુ ગુજરાતે પોતાની ઓળખ ધરાવતું પાટનગર રચવાનો માર્ગ પસંદ કર્યો.
લુઈ કાન નહીં, ગુજરાતી આયોજનકાર
ગાંધીનગરના ઇતિહાસ પર સંશોધન કરનાર પ્રોફેસર રવિ કાલીયા લખે છે કે શરૂઆતમાં વિશ્વવિખ્યાત અમેરિકન સ્થાપત્યકાર લુઈ કાનને ગાંધીનગરના આયોજન સાથે જોડવાના પ્રયાસો થયા હતા. અમદાવાદના કેટલાક ઉદ્યોગપતિઓ અને સ્થાપત્યકારો પણ તેના પક્ષમાં હતા. ચાર વર્ષ માટે એક લાખ અમેરિકી ડૉલરની ફી સાથેનો પ્રસ્તાવ પણ તૈયાર થયો હતો.
પરંતુ રાજ્ય સરકારે સ્પષ્ટ નિર્ણય લીધો—ગુજરાતની નવી રાજધાનીનું આયોજન ભારતીય હાથોથી જ થશે.
આ જવાબદારી સોંપાઈ એચ. કે. મેવાડાને. તેમની સાથે પ્રકાશ એમ. આપ્ટે જોડાયા. બંનેએ ચંડીગઢના આયોજન દરમિયાન લે કોર્બુઝિયે સાથે કામ કર્યું હતું, પરંતુ ગાંધીનગરમાં તેમણે પશ્ચિમી વિચાર નહીં, ભારતીય નગર આયોજન, ગુજરાતની પરંપરા અને મહાત્મા ગાંધીના વિચારોને કેન્દ્રસ્થાને રાખ્યા.
ગાંધીજીના વિચારો પર ઊભેલું શહેર
નવી રાજધાનીનું નામ માત્ર ગાંધીનગર રાખવામાં આવ્યું નહોતું; તેના આયોજનમાં પણ ગાંધીજીની વિચારસરણીનો પ્રભાવ હતો. શહેરનું આયોજન સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમની જેમ કરવામાં આવ્યું. શરૂઆતના માસ્ટર પ્લાનમાં ગાંધી સ્મારક માટે વિશેષ જગ્યા પણ રાખવામાં આવી હતી. પરંતુ તે કોઇ કારણોસર બન્યું જ નહીં. વર્ષો બાદ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરના નિર્માણ કરીને આ ખોટ પુરી કરી.
માત્ર ત્રણ લાખ નહીં, સાડા સાત લાખ લોકો માટેનું આયોજન
ગાંધીનગરનું આયોજન તેના સમય કરતાં ઘણું આગળ હતું. પ્રકાશ આપ્ટેના જણાવ્યા મુજબ શહેરના પ્રથમ તબક્કામાં 30 સેક્ટર વિકસાવાયા. તેમાં દોઢ લાખ લોકો વસે તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રહેણાંક વિસ્તારોમાં ફ્લોર સ્પેસ રેશિયો વધારીને શહેરમાં આશરે ત્રણ લાખ લોકોને સમાવી શકાય તેવી ક્ષમતા રાખવામાં આવી હતી.
આટલેથી આયોજન અટકતું નહોતું. શહેરના પૂર્વમાં સાબરમતી અને ઉત્તરમાં ઔદ્યોગિક વિસ્તાર હોવાથી ભવિષ્યના વિકાસ માટે ઉત્તર-પશ્ચિમ દિશામાં વધુ 30 સેક્ટરો વિકસાવવાની કલ્પના કરવામાં આવી હતી. આમ ગાંધીનગરને કુલ સાડા સાત લાખ લોકોને સમાવી શકે તેવી રાજધાની તરીકે કલ્પવામાં આવ્યું હતું.
અમદાવાદથી અલગ ઓળખ જાળવવાની દૃષ્ટિ
અમદાવાદથી માત્ર 23 કિલોમીટર દૂર નવી રાજધાની ઊભી કરવાનો સૌથી મોટો પડકાર તેની આગવી ઓળખ જાળવવાનો હતો. પ્રકાશ આપ્ટેએ પાછળથી નોંધ્યું હતું કે શહેરનો વિકાસ અમદાવાદ તરફ નહીં પરંતુ ઉત્તર-પશ્ચિમ દિશામાં થવો જોઈએ. જોકે સમય જતાં વિકાસ દક્ષિણ તરફ આગળ વધ્યો અને આજે અમદાવાદ તથા ગાંધીનગર લગભગ સતત શહેરી પટ્ટા તરીકે વિકસ્યાં છે.
દરેક રસ્તામાં આયોજન
ગાંધીનગરની રચનામાં દરેક વિગતો વિચારપૂર્વક ગોઠવાઈ હતી. સેક્ટર આધારિત આયોજન, એક કિલોમીટરના ગ્રીડ, ક્રમાંકિત માર્ગો, ગુજરાતી મૂળાક્ષરોના નામ ધરાવતા રસ્તાઓ, દરેક ચોક પર ગોળચક્કર, વિશાળ હરિયાળા પટ્ટા અને પગપાળા તથા વાહન વ્યવહાર માટે અલગ આયોજન—આ બધું શહેરને ભારતના શ્રેષ્ઠ આયોજનબદ્ધ શહેરોમાં સ્થાન અપાવે છે.
વિધાનસભામાં કમળનું સ્થાપત્ય
પ્રોફેસર રવિ કાલીયા પોતાના પુસ્તકમાં લખે છે કે ગાંધીનગરની વિધાનસભાનું આંતરિક સ્થાપત્ય કમળ પરથી પ્રેરિત છે. સમગ્ર ગૃહનો ભાર વચ્ચે આવેલા વિશાળ થાંભલા પર ટકેલો છે અને તેની ઉપર કમળની પાંખડીઓ જેવી રચના કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિ અને આધુનિક સ્થાપત્યનું આ અનોખું સંયોજન ગાંધીનગરની વિશિષ્ટ ઓળખ બની ગયું છે.
રેતીથી હરિયાળી સુધી
‘આપણું સૌનું ગાંધીનગર : ગઈકાલ, આજ અને આવતીકાલ’માં અરુણ બુચ યાદ કરે છે કે શરૂઆતનું ગાંધીનગર કલ્પના બહારનું હતું. દિવસે રેતીના વંટોળ ઊડતા અને રાત્રે સ્મશાન જેવી શાંતિ છવાતી. તે સમયે શહેરની વસ્તી માત્ર 14 હજાર જેટલી હતી.
સરકારે તબક્કાવાર 16,466 સરકારી આવાસોનું નિર્માણ કર્યું. બે રૂમના સામાન્ય મકાનોથી લઈને ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓના વિશિષ્ટ આવાસો સુધીનું આયોજન કરવામાં આવ્યું. ધીમે ધીમે સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારો સાથે શહેર જીવંત બનતું ગયું.
ગુજરાતની રાજધાનીઓની પરંપરામાં નવી કડી
દ્વારકા, આનર્તપુર, ગિરિનગર, વલ્લભી, અણહિલવાડ પાટણ અને અમદાવાદ પછી ગાંધીનગર ગુજરાતના ઇતિહાસમાં નવી રાજધાની તરીકે જોડાયું. પરંતુ તેની વિશેષતા એટલી છે કે આ રાજધાની માત્ર સત્તાનું કેન્દ્ર નથી; તે આયોજન, પર્યાવરણ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઊભું કરાયેલું શહેર છે.
કોણ હતા એચ કે મેવાડા ?
ગુજરાતના પાટનગર ગાંધીનગરના મુખ્ય શિલ્પી અને પ્રસિદ્ધ વાસ્તુકાર હરગોવિંદ કાળીદાસ મેવાડા (એચ. કે. મેવાડા) નો જન્મ ૨૩ જાન્યુઆરી, ૧૯૨૧ ના રોજ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના દેનાપ ગામે થયો હતો. તેઓ ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા ગયા અને ત્યાંની પ્રતિષ્ઠિત કોર્નેલ યુનિવર્સિટીમાંથી ટાઉન પ્લાનિંગ અને આર્કિટેક્ચરની ઉચ્ચ પદવી મેળવી. ભારત પરત ફરીને તેમણે ૧૯૫૦ના દાયકામાં ભારતના પ્રથમ આયોજિત શહેર ચંદીગઢ પ્રોજેક્ટમાં વિશ્વપ્રસિદ્ધ ફ્રેન્ચ આર્કિટેક્ટ લી કોર્બુઝિયરના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકારના ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ વિભાગમાં વરિષ્ઠ નગર આયોજક (Senior Town Planner) તરીકે મહત્વની સેવાઓ આપી. ઓ ઉપરાતં રાજેસ્થાન અને આસામના શહેરોમાં પણ તેમણે કામ કર્યું હતું. દેશમાં નગર આયોજન ક્ષેત્રે મેળવેલા આ બહોળા અનુભવ અને ઉચ્ચ વિદેશી શિક્ષણને કારણે જ જાન્યુઆરી ૧૯૬૫માં ગુજરાત સરકારે ગાંધીવાદી મેવાડાને નવા પાટનગર પ્રોજેક્ટના મુખ્ય ટાઉન પ્લાનર તરીકે નિયુક્ત કર્યા.
સાઠ વર્ષ પછી…
છ દાયકાની સફરમાં ગાંધીનગરે અનેક રૂપ બદલ્યાં છે. પરંતુ આજે પણ તેની ઓળખ એક એવા શહેર તરીકે જળવાઈ છે, જેનું આયોજન આવનારી પેઢીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. સાઠ વર્ષની ઉંમરે પણ આ રાજધાની સતત વિકસી રહી છે, નવા સ્વપ્નો જોઈ રહી છે અને ગુજરાતના વિકાસની દિશા નક્કી કરી રહી છે.
હેપ્પી બર્થડે, ગાંધીનગર!





