PM મોદી સાથે દિગ્ગજ નેતાની મુલાકાત શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે મોદી સાથે મુલાકાત કરી પંજાબના રાજકીય વર્તુળોમાં ભાજપ અને અકાલી દળના પુન: ગઠબંધનને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે
પંજાબ વિધાનસભા ચૂંટણીના આગમન પહેલાં રાજ્યની રાજનીતિમાં ભારે હલચલ જાેવા મળી રહી છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે શુક્રવારે દિલ્હીમાં સંસદ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મહત્ત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ પંજાબના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ભાજપ અને અકાલી દળના પુન: ગઠબંધનને લઈને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. ખાસ કરીને ૨૦૨૭ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુલાકાતને અત્યંત સૂચક માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ વિવાદિત કૃષિ કાયદાઓના વિરોધમાં કિસાન આંદોલન તેજ બન્યું હતું. પંજાબમાં ખેડૂતોના ભારે વિરોધને કારણે અકાલી દળે ભાજપ સાથેની પોતાની ૨૫ વર્ષ જૂની મિત્રતા તોડીને એનડીએનો સાથ છોડી દીધો હતો. અકાલી દળ માટે ગ્રામીણ અને ખેડૂત મતબૅંક સૌથી સર્વોપરી રહી છે. ત્યારબાદ ૨૦૨૨ની વિધાનસભા અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષોએ અલગ-અલગ ચૂંટણી લડી હતી, જેના કારણે બંને પક્ષોને ચૂંટણી પરિણામોમાં ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું.
હાલની સ્થિતિએ પંજાબમાં અકાલી દળ પોતાનો ખોવાયેલો પરંપરાગત જનાધાર પાછો મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે, તો બીજી તરફ ભાજપ પણ રાજ્યમાં પોતાના પગ મજબૂત કરવા માટે કોઈ સક્ષમ ક્ષેત્રીય સાથીની શોધમાં છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પંજાબમાં હિન્દુ અને સિખ મતોના જૂના સમીકરણોને ફરીથી જીવંત કરવા માટે બંને પક્ષોએ એકબીજાની જરૂરિયાત સમજવી પડશે. જાેકે, હજુ સુધી બંને પક્ષો તરફથી ગઠબંધનને લઈને કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ મુલાકાતથી આગામી સમયમાં મોટા રાજકીય ફેરફારો થવાના પૂરા સંકેતો મળી રહ્યા છે.





