વિધાનસભા ગૃહમાં વિવાદ વંદે માતરમ દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’નું ગાન ચાલી રહ્યું હતું ત્યારે ખેડાવાલા ઊભા ન થતાં ભાજપે વાંધો ઉઠાવ્યો હતો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ‘વંદે માતરમ’ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતાની બેઠક પર બેઠા રહ્યા હોવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’નું ગાન ચાલી રહ્યું હતું ત્યારે તેઓ ઊભા ન થતાં ભાજપે વાંધો ઉઠાવ્યો હતો.
ગુજરાત સરકારના મંત્રી પ્રવીણ માલીએ આ ઘટનાને સંસદીય પરંપરાઓ અને લોકતાંત્રિક વ્યવસ્થાનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ઇમરાન ખેડાવાલાએ માત્ર વંદે માતરમનું નહીં પરંતુ સમગ્ર દેશનું અપમાન કર્યું છે.” તેમણે કોંગ્રેસ પાસે આ મુદ્દે સ્પષ્ટતા કરવાની માંગ પણ કરી હતી કે આ ઇમરાન ખેડાવાલાનો વ્યક્તિગત ર્નિણય છે કે કોંગ્રેસ પણ તેને સમર્થન આપે છે. ભાજપના મંત્રી પ્રવીણ માલીએ વધુમાં જણાવ્યું કે તેઓ વિધાનસભાના અધ્યક્ષને મળીને આ સમગ્ર મામલે ફરિયાદ કરશે અને બંધારણીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવાની માંગ કરશે.
ધારાસભ્ય મહેશ કસવાલાએ ઘટનાને દુ:ખદ ગણાવી કહ્યું કે વિધાનસભા લોકશાહીમાં આસ્થાનું પ્રતીક છે અને વંદે માતરમનું અપમાન ગુજરાતની જનતાનું અપમાન છે. ભાજપના ધારાસભ્યો અધ્યક્ષને મળી રજૂઆત કરશે અને કોંગ્રેસે આ મામલે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જાેઈએ. કેન્દ્રના ગૃહ મંત્રાલયના નવા દિશાનિર્દેશો અનુસાર સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’નું સંપૂર્ણ ગાન ૩ મિનિટ ૧૦ સેકન્ડ સુધી કરવામાં આવે તે અંગે સૂચનાઓ આપવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોના વલણને લઈને પણ અગાઉથી ચર્ચા ચાલી રહી છે.
કોંગ્રેસે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે તે ૧૯૩૭માં નક્કી થયેલા વર્ઝન મુજબ ‘વંદે માતરમ’ના બે અંતરા જ ગાશે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના નેતાઓએ તાજેતરમાં સમગ્ર ‘વંદે માતરમ’ દરમિયાન ઊભા રહીને અલગ વલણ દર્શાવ્યું હતું
ગુજરાત વિધાનસભાના આજથી ત્રિ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થયો. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પણ બેસી ગયા હતા. ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારી સહિતના મુદ્દે વિરોધ કર્યો છે. જેમાં બેનરો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જાેડાયા હતા.




