
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ખાતે ગુજરાત સરકારના બજેટને સખત શબ્દોમાં વખોડ્યું હતું અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું. સત્તાપક્ષ ભાજપ દ્વારા તેને ઐતિહાસિક અને અભૂતપૂર્વ બજેટ ગણાવવામાં આવે છે. તેઓ કહે છે કે ચાર લાખ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ રજૂ થયું છે, પરંતુ હકીકતમાં આ બજેટ ગુજરાતની સરકારી તિજોરીના હાલને શરમાવે એવું છે. ચાર લાખ કરોડનું બજેટ આવે છે, પરંતુ આંગણવાડીઓમાં બાળકોને પૂરતું પોષણ મળતું નથી. સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત છે, છતાં બજેટ ચાર લાખ કરોડનું છે. સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને સ્ટાફની અછત છે, છતાં બજેટ ઐતિહાસિક ગણાય છે. ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી, અને પોતાની ઉપજ વેચવા જાય ત્યારે યોગ્ય ભાવ મળતા નથી, છતાં બજેટ ચાર લાખ કરોડનું હોવાનું કહેવાય છે. તેથી પ્રશ્ન થાય છે કે સરકાર પાસે ખરેખર એટલા પૈસા ક્યાં છે અને કામ ક્યાં થાય છે? આ બજેટમાં સરકારે ઘણી મોટી જાહેરાતો કરી છે. તેમાં ગાંડા બાવળ દૂર કરવા માટે સત્તર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રશ્ન એ છે કે છેલ્લા વીસ વર્ષથી ભાજપની સરકાર છે, તો ગાંડા બાવળ એટલા કેવી રીતે વધી ગયા? અને હવે જાહેર નાણાંથી તેને દૂર કરવામાં આવશે?
વિદ્યાર્થીઓને સાયકલ આપવા અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. એક તરફ ચંદ્ર અને મંગળ પર જવાની વાતો થાય છે, પરંતુ વિદ્યાર્થીઓને સાયકલ જેવી મૂળભૂત સુવિધા આપવા માટે પૂરતી જોગવાઈ કરવામાં આવતી નથી. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં નશા મુક્તિ કેન્દ્ર ખોલવા માટે પંદર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જો રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ વેચાતા નથી, તો નશા મુક્તિ કેન્દ્ર શા માટે? શું રાજ્યમાં નશાની સમસ્યા વાસ્તવમાં છે? આ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે. ત્યારબાદ દૂધ સંજીવની યોજના માટે પચાસ કરોડ રૂપિયા ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. ગામડાના ગરીબ બાળકોને દૂધ મળે તે સારી બાબત છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી કેમિકલવાળું નકલી દૂધ વેચાતું હોવાના સમાચાર સામે આવે છે. અખબારોમાં વારંવાર કેમિકલવાળા દૂધના ટેન્કરો ઝડપાતા હોવાની વિગતો જોવા મળે છે. તાજેતરમાં જ જેતપુર વિસ્તારમાં કેમિકલ અને પામ તેલથી બનાવવામાં આવતું નકલી દૂધ પકડાયું હતું. કરોડો લિટર કેમિકલવાળું દૂધ બનાવવામાં આવતું હોવા છતાં, બજેટમાં આ ગંભીર મુદ્દા પર એક શબ્દ પણ બોલવામાં આવ્યો નથી. સરકારે અનાજ વિતરણ માટે ઓટોમેટિક ડિસ્પેન્સિંગ મશીન મૂકવાની જાહેરાત કરી છે. હકીકતમાં ગરીબોને સમયસર અને ગુણવત્તાયુક્ત અનાજ મળતું નથી. ગામડાઓમાં ઘઊં, ચોખા જેવી જરૂરી ચીજો નિયમિત રીતે મળતી નથી. હવે દાવો કરવામાં આવે છે કે મશીનમાં બટન દબાવતા જ અનાજ મળી જશે. પરંતુ જ્યાં બસ વ્યવસ્થા યોગ્ય નથી, અન્ય મૂળભૂત સુવિધાઓ નથી, ત્યાં આવી મશીન વ્યવસ્થા કેટલી અસરકારક રહેશે?
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના બાળકોને ટ્રાફિકના નિયમો શીખવવા માટે પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નિયમો શીખવાડવા સારી બાબત છે, પરંતુ રોડની સ્થિતિ અને પાર્કિંગ જેવી મૂળભૂત સુવિધાઓ વિશે પણ વિચારવું જરૂરી છે. વિધાનસભામાં પ્રશ્ન પૂછાયો હતો કે અમદાવાદ અને રાજકોટના તમામ પોલીસ સ્ટેશનો પાસે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા છે કે નહીં. જો પોલીસ સ્ટેશનો પાસે જ પાર્કિંગની સુવિધા ન હોય, તો ટ્રાફિક જાગૃતિ માટે મોટા ખર્ચની પ્રાથમિકતા વિશે પ્રશ્ન ઊભો થાય છે. ગાડી ખોટી જગ્યાએ પાર્ક કરવાથી પોલીસે ઉઠાવી જાય, તો તેને રાખવાની યોગ્ય વ્યવસ્થા સરકાર પાસે હોવી જોઈએ. આ ઉપરાંત વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે પાંચસો ઓગણસિત્તેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. વન્યજીવોનું સંરક્ષણ જરૂરી છે, પરંતુ સામાન્ય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ અંગે પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે કે નહીં તે અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. અકસ્માતો, નશાની સમસ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ જેવી માનવીય સમસ્યાઓ પણ એટલી જ ગંભીર છે.
સામાન્ય બજેટ હોય તો થોડા સમયમાં પૂરો થઈ જાય, પરંતુ આ બજેટને ઐતિહાસિક ગણાવવામાં આવ્યું છે. ગામોમાં પાણીની ટાંકી નથી, પશુઓ માટે પીવાનું પાણી નથી, શાળાઓ નથી, દવાખાનાઓ નથી. જ્યાં દવાખાના છે ત્યાં ડૉક્ટર નથી, અને જ્યાં ડૉક્ટર છે ત્યાં દવા નથી. છતાં બજેટ ત્રણ લાખ કરોડ રૂપિયાનું હોવાનું કહેવામાં આવે છે. બજેટમાં જણાવાયું કે ગુજરાતની જનતાની માથાદીઠ આવક ત્રણ લાખ એક હજાર રૂપિયા છે. પ્રશ્ન એ છે કે આ આવક કોની ગણવામાં આવી છે? અમદાવાદમાં રિક્ષા ચલાવતા ગરીબ વ્યક્તિને પૂછો તો રોજના ત્રણસો રૂપિયા કમાવા પણ મુશ્કેલ પડે છે. ખેડૂતો વર્ષે એક લાખ રૂપિયા પણ કમાઈ શકતા નથી. ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક બજારમાં ઉપજને યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતને નુકસાન સહન કરવું પડે છે. રિક્ષા ચાલકો, આઉટસોર્સ અને ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ આધારિત કામદારો ઘણાં લોકો વર્ષે ત્રણ લાખ રૂપિયા કમાતા નથી. સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સિક્યુરિટી ગાર્ડ અને અન્ય કર્મચારીઓની આવક પણ એટલી નથી. છતાં વિધાનસભામાં માથાદીઠ ત્રણ લાખ રૂપિયાની આવક દર્શાવવામાં આવે છે. પ્રશ્ન થાય છે કે આ આંકડા કોના આધાર પર છે ? ગુજરાતની આર્થિક રચનામાં ખેતી અને ઉદ્યોગ મુખ્ય આધાર છે. તેમ છતાં, આ મોટા બજેટમાં ખેતી સંબંધિત મુદ્દાઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. ખેડૂતોને સમયસર ખાતર, બીજ અને સિંચાઈનું પાણી મળતું નથી. સૌની યોજના, સુજલામ સુફલામ યોજના અને સરદાર સરોવર યોજના જેવી યોજનાઓની ઘણી જાહેરાતો થાય છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના અનેક વિસ્તારોમાં પાણી સમયસર પહોંચતું નથી. સરદાર સરોવર ડેમ બન્યા પછી પણ નર્મદા જિલ્લાના કેટલાક ખેડૂતો સુધી પૂરતું પાણી પહોંચતું નથી. ખાતરની અછત વખતે ખેડૂતોને યુરિયા અને ડીએપી માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. આ સ્થિતિ વચ્ચે ચાર લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ થાય છે, પરંતુ મૂળભૂત કૃષિ સમસ્યાઓના ઉકેલ અંગે સ્પષ્ટ ચર્ચા ન દેખાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોને “વાવણીથી વેચાણ” સુધી સરકાર સંપૂર્ણ ટેકો આપશે એવો નારો આપવામાં આવ્યો હતો. વાવણી શરૂ થાય ત્યારથી લઈને પાક વેચાણ સુધી સરકાર સહાયરૂપ રહેશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી અને તેના માટે અઢાર હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. પરંતુ હકીકતમાં વાવણીના સમયે ખાતર મળતું નથી, પૂરતું પાણી મળતું નથી અને પાક વેચવા જતાં યોગ્ય ભાવ મળતો નથી. આવી પરિસ્થિતિમાં “વાવણીથી વેચાણ”નો નારો કેટલો અસરકારક છે તે પ્રશ્ન ઊભો થાય છે. તેમ છતાં ચાર લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ થયાનું કહેવામાં આવે છે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સોયાબીન, મગફળી, ચણા, તુવેર સહિતના તમામ કૃષિ ઉત્પાદનોની સો ટકા ખરીદી ટેકાના ભાવે થવી જોઈએ. હાલની સ્થિતિ મુજબ સરકાર મર્યાદિત જથ્થો જેમ કે સો મણ અથવા એકસો વીસ મણ જ ખરીદી કરે છે. વધારાનું ઉત્પાદન ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવું પડે છે. ખેડૂતોનું કહેવું છે કે અન્ય રાજ્યોમાં કેટલીક જગ્યાએ પાકની સંપૂર્ણ ખરીદી ટેકાના ભાવે થાય છે, જ્યારે ગુજરાતમાં માત્ર વીસથી ત્રીસ ટકા જ ઉત્પાદન સરકાર ખરીદી કરે છે અને બાકીનું બજારમાં ઓછા ભાવે વેચાય છે. તે ઉપરાંત ખેતી માટે વીજળીનો પ્રશ્ન પણ ગંભીર છે. અનેક ખેડૂતોના ખેતરો સુધી હજી પૂરતી અને નિયમિત વીજળી પહોંચતી નથી. ખેડૂતોનું માનવું છે કે સમયસર અને પૂરતી વીજળી મળશે તો ઉત્પાદન ખર્ચ ઘટશે અને આવકમાં વધારો થશે. આ બજેટમાં ખેતી અને ઉદ્યોગ અંગે પણ ખાસ અને સ્પષ્ટ જોગવાઈ દેખાતી નથી.
રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ એશિયામાં મહત્વનો માનવામાં આવે છે. વિવિધ મશીનરી અને એન્જિનિયરિંગ ભાગોના ઉત્પાદન માટે રાજકોટ જાણીતું છે, છતાં આ ઉદ્યોગ માટે બજેટમાં કોઈ વિશેષ પ્રોત્સાહન અથવા યોજના દર્શાવવામાં આવી નથી. મોરબીનો સિરામિક ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા પ્રીમિયમ અને વિટ્રિફાઇડ ટાઇલ્સના ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે. આધુનિક ટેકનોલોજીથી બનેલી ટાઇલ્સ વિશ્વના અનેક દેશોમાં નિકાસ થાય છે. તેમ છતાં ગેસના વધતા દર, જીએસટી અને અન્ય કરવેરાના ભારને કારણે ઉદ્યોગ પર અસર પડી રહી છે. બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ખાસ રાહત કે સહાય અંગે ચર્ચા ન થવાનો આક્ષેપ છે. ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં સ્થિત જીઆઇડીસીમાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો મોટા પ્રમાણમાં કાર્યરત છે. વિવિધ દવાઓ અને રસાયણોના ઉત્પાદન માટે આ વિસ્તાર વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવે છે. છતાં આ ક્ષેત્રને લગતી સ્પષ્ટ સહાય અથવા પ્રોત્સાહન અંગે બજેટમાં પૂરતું ધ્યાન ન આપાયું હોવાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ પ્રક્રિયા સંબંધિત ઉદ્યોગો કાર્યરત છે, જે ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે. તેમ છતાં કપાસ અને તેના આધારિત ઉદ્યોગો માટે ખાસ નીતિગત પગલાં અંગે બજેટમાં પૂરતી ચર્ચા ન દેખાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આખું બજેટ માત્ર ગયા વર્ષની જોગવાઈઓને આંકડાઓના ફેરફાર સાથે ફરી રજૂ કરવામાં આવ્યું હોય એવું લાગે છે.
સૌરાષ્ટ્રના ધારાસભ્ય અને ગામડામાં ઊછરેલા નાગરિક તરીકે આ બજેટમાં સૌથી દુઃખદ બાબત એવી જણાઈ કે શહેરી વિકાસ માટે અંદાજે 33,504 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા, જ્યારે ગ્રામ્ય વિકાસ માટે માત્ર 14,858 કરોડ રૂપિયા જ ફાળવાયા. ત્યારે પ્રશ્ન ઉઠે છે કે શું સરકાર એવી પરિસ્થિતિ ઊભી કરવા માંગે છે કે ગામડાનો માણસ મજબૂરીવશ પોતાનું ગામ છોડીને શહેરોમાં વસવાટ કરવા આવે? હાલમાં ગુજરાતનાં શહેરોમાં વસ્તીનો દબાણ વધતો જાય છે. ટ્રાફિક, પ્રદૂષણ, ગેરકાયદેસર બાંધકામો અને પાર્કિંગ જેવી સમસ્યાઓ વધી રહી છે. શહેરોની ક્ષમતા કરતાં વધુ વસ્તી એકઠી થતી જાય છે. આ પરિસ્થિતિ છતાં ગ્રામ્ય વિસ્તારો માટેનું બજેટ પ્રમાણમાં ઓછું રાખવામાં આવ્યું છે. જો ગામડાઓમાં પૂરતી સુવિધાઓ રસ્તા, દવાખાનાં, શાળાઓ, જાહેર પરિવહન અને સામાજિક સુરક્ષા—ઉપલબ્ધ ન થાય, તો લોકો મજબૂરીમાં શહેરોની તરફ સ્થળાંતર કરે છે. બજેટમાં ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી નથી અને ગામડાના નાગરિકોની આવશ્યકતાઓને અનુરૂપ પૂરતી જોગવાઈ કરવામાં આવી નથી. શહેરોના વિકાસ માટે મોટા પ્રમાણમાં ફાળવણી કરવામાં આવે છે, પરંતુ પ્રશ્ન થાય છે કે શહેરોને આવશ્યક દૂધ, અનાજ, ચોખા, મગફળીનું તેલ અને અન્ય કૃષિ ઉત્પાદનો તો ગામડાઓમાંથી જ આવે છે. તેથી ગામડાઓને પૂરતો ન્યાય અને પ્રાથમિકતા મળવી જરૂરી છે. ગામડાઓને અવગણવામાં આવે તો શહેરોનો વિકાસ પણ સ્થાયી રહી શકશે નહીં. બજેટ ઐતિહાસિક હોવા છતાં નિરાશાજનક છે અને ખેતી તથા ઉદ્યોગ માટે પૂરતી જોગવાઈ દર્શાવતું નથી. સાથે જ અમરેલીમાં બનેલી પાયલ ગોટીની ઘટનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો. અગાઉ જાહેરમાં વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાર રીતે એવી કોઈ ટીમ રચાઈ નથી. આમ સરકાર દ્વારા માત્ર મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ હકીકત કંઇક જુદી હોય છે. આ બજેટ માત્ર અમદાવાદ અને ગાંધીનગર પૂરતુ હોય તેવુ લાગી રહ્યુ છે. રાજ્યના બીજા વિસ્તારને સમાન રીતે ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.




