
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત હવે ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ થઈ રહ્યું છે. સુરતની ભૂગોળ હવે બદલાઈ રહી છે. એનું કારણ વિકસતા
સુરતમાં સમાવિષ્ટ થયેલા અને થતાં રહેતા ગામડાઓ એને કારણે સુરતની કાયાપલટ થઈ રહી છે એમ કહેવું ખોટું
નથી.
પરંતુ શરમની વાત એ છે કે સમાવિષ્ટ થતાં ગામડાઓ અને એમાં આવેલી ગૌચરની જમીનો ગામના જ
વહીવટદારો ધ્વારા મોટા માથાઓને કે રાજકીય ઓથ ધરાવતા ખંધા બિલ્ડરોને જ્યારે વેચી મારવામાં આવે છે. ત્યારે
હિન્દુ રાષ્ટ્રના ગાણા ગાતા કહેવાતા આ હિન્દુત્વના ઠેકેદારો અને એમને પીઠબળ પૂરું પાડતા ભ્રષ્ટ શાસકો માટે શરમ
જનક બાબતથી વધુ શું હોઈ શકે? જ્યાં ગૌચરની જમીન વેચવી અને ગૌચરની જમીન લેવીએ ગુન્હો બને છે. ત્યારે
અહીં પણ લેનાર અને વેચનાર બંને ગુન્હેગાર છે.
ગાયોનું ગૌચર ઝુંટવી લેતા ખંધા બિલ્ડરો
એક બાજુ શહેરમા સમાવિષ્ટ થતાં ગામડાઓની ગૌચર જમીનો ગામના જ કેટલાક વહીવટદારો અને
લાગવગીયાઓને કારણે વેચાઈ જતાં શહેરોમા રસ્તે રજળતી રખડતી ગાયો રાહદારીઓના જીવલેણ અકસ્માત કરે છે.
તો બીજી બાજુ એ જ ગાય ને બચાવતા જતાં વાહન ચાલક ગંભીર ઇજા પામે છે કે મોતને ભેટે છે. ઘણા કિસ્સાઓમા
ગાયના પણ મોત થયાના સમાચારો પણ અખબારોમા ચમક્યા છે.જે અંગે નાગરિકોની સતત ફરિયાદો તંત્રને કરાતી
હોવા છતાં એનું કોઈ નિરાકરણ થતું જ નથી.
આનું મોટું કારણ છે ગાયો માટે બનાવેલી ગૌચર જમીનો વેચાઈ જવી એને કારણે ગાયો બિચારી બાપડી
બની રસ્તાઓ ઉપરની ગંદકી કે કચરાના ઉકરડા જેવા ઢગલાઓમા જઈ પેટ ભરવા પ્લાસ્ટિક ખાવા મજબૂર બનતી
ગૌ-માતા એક બાજુ આપણે કહીએ છીએ કે કીડીને કણ અને હાથીને મણ પરંતુ અહીં આ ભૂખી અને લાચાર ગાયોના
નશીબમા એ પણ નહીં હોવાથી પેટનો ખાડો પુરવા રસ્તે પડેલો એંઠવાડ કે કચરો ખાવા ગાય માતા ને મજબૂર બનવું
પડે છે.
આમ ગામની ગૌચર જમીનો રાજકીય મોટા મગરમચ્છ જેવાઓને સહારે ગામના જ કહેવાતા વહીવટદારો
પાસેથી ખંધા બિલ્ડરો ખરીદી લેતા હોવાને કારણે પણ ગાયોને માટે ઘાસ ચારાની અછત સર્જાય છે. આ ભૂખે, તરસે
રખડતી ગાયો જ્યારે દૂધ આપતી બંધ થતી હોય છે. ત્યારે ઢોરનો માલિક પણ રસ્તે રખડતી મૂકી દેતો હોય છે. કારણકે
દૂધ નહીં આપતી ગાય માટે એની પાસે ચારો હોતો નથી અથવા એ ગાયો અનાથ બનીને રસ્તે રખડતી થઈ જાય છે.
જેનો લાભ કેટલાક લેભાગુ આવારા તત્વો લેતા હોય છે. અને આવા તત્વો રાત્રીના સમયે થ્રી વ્હીલર કે ફોર વ્હીલર
જેવા વાહનોમા આવી અનાથ ગાયોને લઈ જઈ કતલખાને વેચી દેતા હોય છે.
ત્યારે અહીં સવાલ એ પેદા થાય છે કે આપણે એકબાજુ ગૌ ભક્ત અને હિંદુ રાષ્ટ્રની વાતો કરીએ છીએ અને
બીજી બાજુ આપણા જ રાષ્ટ્રમા ગાયોની ખુલ્લેઆમ કતલ થઈ રહી હોય છતાં ગંભીર મૌન ધારણ કરતાં હોઈએ એવા
બેવડા ધોરણો રાખવા કરતાં જેમ મોર પણ રાષ્ટ્રીય પક્ષી છે એમ ગાય ને પણ પવિત્ર પૂજનીય રાષ્ટ્રીય ગૌ માતા તરીકે
કેમ જાહેર નથી કરાતી? સરકાર ઉપરથી નીચે સુધી એટલે કે ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ગાયની કતલ માટે
કોઈ કાયદો કેમ બનાવવામાં નથી આવ્યો?
હવે મૂળ મુદ્દા પર આવીએ તો જે ગામોની ગૌચર જમીનો વેચાઈ ગઈ છે એવી તમામ જમીનો લેનારા અને
વેચનારાઓ પાસેથી કલેક્ટર કાયદાકીય કાર્યવાહી કરી જમીનો પાછી લઈ લે અને એ જમીનો શ્રીસરકાર કરે. અને
એવી જમીનો ઉપરના દબાણોનું ડિમોલિશન કરી એવી જમીનો વેચનારા અને લેનારાઓ ગમે તેવા ચમરબંધી કેમ ના
હોય? એમની ઉપર પગલાં ભરી જેલ ભેગા કરે એ જ ઇચ્છનીય છે. કારણકે રખડતી ગાયો પકડવા જનારી ઢોર પાર્ટી
અને પોલીસ સાથે પશુપાલકોને ઘર્ષણ થતાં મારા-મારી જેવા ગંભીર બનાવો બનવાનું મૂળ કારણ પણ ગૌચરની
જમીનો વેચાઈ જવાને કારણે જ ઊભું થતું હોય છે. અને છેલ્લે મુખ્ય અને મહત્વની વાત એ છે કે જે ગૌચરની જમીનો જે આખલાઓ “ચરી” ગયા છે એવા આખલાઓને પાંજરે પૂરી ગૌચરની જમીનો ખુલ્લી કરાવીને કલેકટરે લીલા ઘાસ ચારાની સાથે લચકા ઘાસના
વાવેતરની યોજના સરકાર અને ગ્રામજનોના સહકારથી બનાવી ઘાસચારાનું ઉત્પાદન શરૂ કરાવું જોઈએ. અને એવા
ઘાસને પાંજરાપોળ અને ગૌશાળાઓમા પુરા પાડવાથી રસ્તે રખડતી ગાયોની ભૂખનો પ્રશ્ન હલ થઈ જશે સાથે રસ્તે
રખડતાં ઢોરનો ત્રાસ દૂર થતાં ગાય કે માનવીના મૃત્યુ નહીં થાય. ગાયો કતલખાને જતી બચી જશે. અહીં જરૂર છે
માત્ર ને માત્ર કલેકટર અને સરકારે ત્રીજુ નેત્ર ખોલી ગૌચર જમીનો ખાલી કરાવવા મેદાન-એ-જંગમા ઉતરી સાચી
ગૌસેવા કરવાનું દ્રષ્ટાંતરૂપ નમૂનો પૂરો પાડવાની.
સમગ્ર સુરત શહેર અને જિલ્લામા ગૌચર ની જમીનો ગેરકાયદેસર પચાવી પાડી હોય તેવી તમામ ગૌચરની
જમીનો નો તાત્કાલિક સર્વે કરાવી જેટલી જમીનો ખુલ્લી હોય એટલી જમીનો ઉપર નિયંત્રણ મૂકવામાં આવે અને
જે ગૌચરની જમીનો ઉપર દબાણ કે વેચાણ થયેલ હોય તેવા દબાણ કે વેચાણ ને ગૌ હિતમા રદ કરવા જિલ્લા કલેકટરે
તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.




