Gujarat News: ગુજરાતના અમદાવાદમાં સુફી સંત અને તેમના પરિવારના સભ્યોની કબરો તોડી પાડવા અને ત્યારબાદ પીરાણા દરગાહ ખાતે થયેલી અથડામણના કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કબરો તોડ્યા બાદ બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં પોલીસે 35 લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ ગુરુવારે (9 મે) આ માહિતી આપી. તેમણે કહ્યું કે, મંગળવારે રાત્રે અથડામણ દરમિયાન બે સમુદાયના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો કર્યો, જેના કારણે કેટલાક લોકો ઘાયલ થયા.
પીરાણા દરગાહનું સંચાલન ઈમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જે હિન્દુ-મુસ્લિમ સૌહાર્દનું પ્રતીક છે. બંને સમુદાયના સભ્યો તેના ટ્રસ્ટી છે.
શું છે સમગ્ર મામલો?
પીટીઆઈના અહેવાલ મુજબ, કેટલાક મતભેદોને કારણે, એક ટ્રસ્ટીએ મંગળવારે રાત્રે પીરાણા દરગાહમાં સૂફી સંત ઈમામશાહ બાવા અને તેમના પરિવારના સભ્યોની કબરો તોડી નાખી હતી. આ ઘટના બાદ અમદાવાદ (ગ્રામ્ય) પોલીસ અધિક્ષક (SP) ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, બે સમુદાયના લોકો એકબીજા પર પથ્થરમારો કરી રહ્યા હતા. મામલો પ્રકાશમાં આવતાં બંને સમાજના લોકો મોડી રાત્રે દરગાહ પર મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
હિંસા મામલે પોલીસે કાર્યવાહી કરી હતી
અમદાવાદ (ગ્રામ્ય) એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો, જેના કારણે પોલીસ કર્મચારીઓ સહિત કેટલાક લોકો ઘાયલ થયા. તેમણે કહ્યું કે ઘટના બાદ બંને પક્ષો તરફથી અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ સંદર્ભે, પોલીસે હત્યાનો પ્રયાસ, રમખાણો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા સહિત ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમો હેઠળ 35 લોકોની ધરપકડ કરી છે. એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું અને પછી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી.