
રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, એ મુદ્દે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મને માહિતી મળી છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેં રાજુભાઈ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. ચૈતર વસાવાએ કહ્યું કે તેઓ રાજુભાઈને જેટલા ઓળખે છે, તે મુજબ રાજુ કરપડા ખેડૂતોના મજબૂત અને સંઘર્ષશીલ નેતા રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં રહીને તેમણે ખેડૂતોના હક્ક અને ન્યાય માટે અનેક લડતો લડી છે. બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે હડદડમાં કરવામાં આવેલા આંદોલન દરમિયાન તેમને 100 દિવસથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે ભાજપ સરકારની કાર્યપદ્ધતિ વિપક્ષના નેતાઓને ડરાવવાની, ધમકાવવાની અને દબાણ દ્વારા તેમને પોતાના પક્ષે વાળવાની રહી છે. આંદોલનોને કમજોર બનાવવા અને તોડવાના પ્રયાસો સતત કરવામાં આવે છે. રાજુભાઈ કરપડાના મામલે પણ આવી જ નીતિ અપનાવવામાં આવી હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે, જેના કારણે રાજુભાઈએ રાજીનામું આપ્યું હોઈ શકે છે. ચૈતર વસાવાએ સ્પષ્ટ કર્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં ખેડૂતો અને સામાન્ય જનતાના હક્ક માટે લડત લડી રહી છે અને આવનારા દિવસોમાં પણ આ લડત વધુ દ્રઢતા સાથે ચાલુ રાખશે. ગુજરાતની જનતા માટે ન્યાય મેળવવો એ અમારું પ્રથમ કર્તવ્ય છે. અમે હરહંમેશ કાર્યકર તરીકે જનહિત માટે લડતા રહીશું.




