T20 વર્લ્ડ કપ: હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ ટુર્નામેન્ટ 1 થી 3 નવેમ્બર દરમિયાન રમાશે. આ ટુર્નામેન્ટનું આયોજન હોંગકોંગ ક્રિકેટ દ્વારા કરવામાં આવ્યું છે. તેની છેલ્લી સિઝન વર્ષ 2017માં રમાઈ હ તી. જે બાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે તે 7 વર્ષ બાદ પરત ફર્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ 12 ટીમો ભાગ લેશે. હવે હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ ટુર્નામેન્ટ માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોબિન ઉથપ્પાને કેપ્ટનશિપની જવાબદારી મળી છે. ભારતે છેલ્લે વર્ષ 2005માં આ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.
ભારતીય ટીમમાં 7 ખેલાડીઓને તક મળી છે
હોંગકોંગ સુપર સિક્સેસ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં 7 ખેલાડીઓને તક મળી છે. જેમાં રોબિન ઉથપ્પા, કેદાર જાધવ, સ્ટુઅર્ટ બિન્ની, મનોજ તિવારી, શાહબાઝ નદીમ, ભરત ચિપલી અને શ્રીવત્સ ગોસ્વામીનો સમાવેશ થાય છે. ઉથપ્પા ટી20 ફોર્મેટમાં તેની શક્તિશાળી બેટિંગ માટે જાણીતો છે અને ફિલ્ડિંગમાં તેની ચપળતા જોવા જેવી છે. તે ટી20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ જીતનાર ટીમનો સભ્ય હતો.
કેદાર જાધવ અને સ્ટુઅર્ટ બિન્નીને ઓલરાઉન્ડર તરીકે ઓળખવામાં આવી છે. જાધવ ઘણી આઈપીએલ ટીમોનો હિસ્સો રહ્યો છે અને તેણે દબાણની પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું છે. તે ઓફ સ્પિન બોલિંગ કરે છે. સ્ટુઅર્ટ બિન્ની BCCI ચીફ રોજર બિન્નીના પુત્ર છે. તેણે ભારત માટે ટેસ્ટ, ઓડીઆઈ અને ટી20 એમ ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે અને તે પાવર હિટિંગ માટે પ્રખ્યાત છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા
મનોજ તિવારીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ભારત માટે રનના પહાડ બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેણે પોતાની બેટિંગથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. શ્રીવત્સ ગોસ્વામીનો વિકેટકીપર તરીકે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેની વિકેટ કીપીંગ કૌશલ્ય અદ્ભુત છે અને તે સ્થાનિક સર્કિટમાં મહત્વનો ખેલાડી રહ્યો છે.
ચાહકો આ નેટવર્ક પર લાઈવ જોઈ શકે છે
હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ ટુર્નામેન્ટની તમામ મેચો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. ભારતે 1 નવેમ્બરે પાકિસ્તાન સામે રમવાનું છે. 2 નવેમ્બરે ભારતીય ટીમ UAE સામે રમશે.