ACC T20 ઇમર્જિંગ એશિયા કપ 2024માં, ટીમ ઇન્ડિયાએ જીતની હેટ્રિક ફટકારીને ગર્વથી સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ત્રીજી મેચમાં ભારત A નો સામનો ઓમાન સામે થયો હતો. જે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીતી હતી. આયુષ બદોનીએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. બીજી તરફ પાકિસ્તાને UAEને 114 રનથી હરાવ્યું હતું. જે બાદ ભારતીય ટીમની સાથે પાકિસ્તાને પણ ટોપ-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
સેમિફાઇનલમાં આ ટીમનો સામનો થશે
ACC T20 ઇમર્જિંગ એશિયા કપ 2024 ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન સેમિફાઈનલમાં ટકરાતા જોવા નહીં મળે. હા, જો બંને ટીમો પોતપોતાની સેમી ફાઈનલ મેચો જીતીને ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જાય છે, તો ચોક્કસપણે ચાહકોને ફાઈનલમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ જોવા મળશે. જ્યાં એક તરફ ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે તો બીજી તરફ પાકિસ્તાન શ્રીલંકાના પડકારનો સામનો કરવા જઈ રહ્યું છે.
ભારત A એ મેચ 6 વિકેટે જીતી લીધી હતી
ઓમાન સામે રમાયેલી ત્રીજી મેચમાં તિલક વર્માની આગેવાની હેઠળની ભારત A એ ઓમાનને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઓમાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા. જે બાદ ભારત A એ 15.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઈન્ડિયા A તરફથી બેટિંગ કરતા આયુષ બદોનીએ 27 બોલમાં સૌથી વધુ 51 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય અભિષેક શર્માએ 34 રનની અને કેપ્ટન તિલક વર્માએ 36 રનની અણનમ ઇનિંગ રમી હતી.