
મણિપુરના અનેક જિલ્લાઓમાં હિંસાને કારણે સ્થિતિ ફરી એકવાર કાબૂ બહાર થઈ ગઈ છે. જીરીબામમાંથી મેઇતેઇ પરિવારના છ સભ્યોના અપહરણ અને ત્રણ મૃતદેહો મળી આવ્યા બાદ અહીં હિંસા ફાટી નીકળી હતી. આ પછી સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી અને કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે કેન્દ્રને મણિપુરના કેટલાક ભાગોમાં ફરીથી લાદવામાં આવેલ AFSPA હટાવવા જણાવ્યું છે.
વિરોધીઓએ મણિપુર સરકારના બે પ્રધાનો સપમ રંજન લેમ્ફેલ (ભાજપ) અને એલ સુસિન્દ્રો સિંહ (ભાજપ) સાથે પાંચ ધારાસભ્યોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. ટોળાએ તેમના ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ધારાસભ્યોમાં એસ કુંજકેસર, આરકે ઈમો અને કેએચ જોયકિસનનો સમાવેશ થાય છે. દુકાનોને આગ લગાડવામાં આવી હતી અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. મામલાના જાણકારોના જણાવ્યા અનુસાર, મણિપુરના ઘણા મહત્વપૂર્ણ રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા જેના કારણે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.