મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ રદ કરી દીધો છે. ઢાકામાં વચગાળાની સરકારે મંગળવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. યુસુફ સરકારે શેખ હસીના સહિત 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે. સરકારને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે દેશમાં આ વ્યક્તિઓ સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તેમાંથી 22 પુરુષો પર કથિત રીતે લોકોનું અપહરણ કરવાનો આરોપ છે, જ્યારે 75 અન્ય પર ગયા વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન થયેલી હત્યાઓમાં સામેલ હોવાનો આરોપ છે.
ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) એ શેખ હસીના અને અન્ય 11 વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન અપહરણ અને હત્યાઓના સંબંધમાં ધરપકડ વોરંટ જારી કર્યાના એક દિવસ બાદ જ આ વિકાસ થયો છે. ટ્રિબ્યુનલે હસીના સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવા અને તેમની સમક્ષ હાજર કરવા માટે 12 ફેબ્રુઆરીની સમયમર્યાદા નક્કી કરી છે.
અન્ય આરોપીઓ કોણ છે?
6 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. અન્ય આરોપીઓમાં મેજર જનરલ (નિવૃત્ત) તારિક અહેમદ સિદ્દીકીનો સમાવેશ થાય છે, જે હસીનાના સંરક્ષણ સલાહકાર હતા; ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક (IGP) બેનઝીર અહેમદ અને નેશનલ ટેલિકોમ મોનિટરિંગ સેન્ટર (NTMC)ના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઝિયાઉલ અહેસાન.
ઉલ્લેખનીય છે કે શેખ હસીના સરકારના પતન બાદ દેશભરમાં ફાટી નીકળેલી હિંસાની ઘટનાઓમાં બાંગ્લાદેશમાં 230થી વધુ લોકો માર્યા ગયા હતા. સરકારી નોકરીઓમાં વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમ સામે જુલાઈના મધ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક વિરોધ શરૂ થયો ત્યારથી મૃત્યુઆંક 600 થી વધુ થઈ ગયો છે. હસીનાએ ગયા વર્ષે 5 ઓગસ્ટે દેશ છોડીને ભારતમાં શરણ લીધી હતી, ત્યારથી તે ભારતમાં જ છે.