રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય યુવાનોની બળજબરીથી ભરતી કરવાના આરોપો પર વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે રશિયામાં રહેતા ભારતીય યુવાનોને આ યુદ્ધથી દૂર રહેવાની અપીલ કરી હતી. ભારત સરકારે કહ્યું કે ભારતીય યુવાનોએ રશિયામાં લશ્કરી સેવાઓમાં જોડાવું જોઈએ નહીં અને સંઘર્ષથી દૂર રહેવું જોઈએ. ભારતીય નાગરિકોના રશિયન સૈન્યમાં જોડાવાના અને સંઘર્ષના વિસ્તારોમાં તૈનાત હોવાના અહેવાલો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘અમે જાણીએ છીએ કે કેટલાક ભારતીય નાગરિકો સહાયક હેતુઓ માટે રશિયન સેનામાં જોડાયા છે.
તેમણે કહ્યું કે ભારતીય દૂતાવાસના અધિકારીઓ રશિયન અધિકારીઓના સંપર્કમાં છે જેથી તેઓને આ સેવાઓમાંથી જલ્દી મુક્ત કરવામાં આવે. જયસ્વાલે કહ્યું, ‘અમે તમામ ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અને આ સંઘર્ષથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા ભારતીય યુવાનો રશિયન સેનામાં કામ કરી રહ્યા છે. આ લોકોને યુદ્ધ મોરચે રાખવામાં આવ્યા છે અને તેમને સુરક્ષા સહાયક તરીકે સામેલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
આ સિવાય રશિયા અને યુક્રેનની બોર્ડર પર ઘણા ભારતીય નાગરિકો ફસાયેલા હોવાના પણ સમાચાર છે. આ લોકો માર્યુપોલ, ખાર્કિવ અને રોસ્ટોવ-ઓન-ડોવમાં ફસાયેલા છે. કેટલાક અપ્રમાણિત અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અહીં ફસાયેલા ઘણા ભારતીયો મૃત્યુ પામ્યા છે. ઓવૈસી ઉપરાંત કર્ણાટક સરકારે પણ તાજેતરમાં ભારત સરકારને અપીલ કરી હતી કે તેઓ આ યુવાનોને લાવવાનો પ્રયાસ કરે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયામાં ફસાયેલા આ યુવાનો મોટાભાગે કર્ણાટક, તેલંગાણા અને જમ્મુ-કાશ્મીર રાજ્યોના રહેવાસી છે.
કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગે અને રશિયામાં ફસાયેલા લોકોના પરિવારજનોનું કહેવું છે કે આ લોકોને રિક્રુટમેન્ટ એજન્ટ દ્વારા ત્યાં મોકલવામાં આવ્યા છે. ખડગેએ કહ્યું કે આ લોકોને રશિયન આર્મીના વેગનર ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા છે. વેગનર ગ્રુપ એ રશિયન સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ ખાનગી લશ્કર છે. તેને યુક્રેનના મોરચે પણ તૈનાત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે નેપાળમાંથી પણ લગભગ 200 લોકોની રશિયન આર્મીમાં ભરતી કરવામાં આવી છે. આ લોકોને યુક્રેન સાથેના યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, મોરચા પર તૈનાત 6 નેપાળી લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.