
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા.અમિત ચાવડાની આગેવાનીમાં બાઈક રેલી, સરકાર પર કર્યા તીખા પ્રહાર.અમિત ચાવડાએ ભાજપ સરકાર, નાયબ મુખ્યમંત્રી અને કાનૂન વ્યવસ્થાના મુદ્દે સરકાર પર તીખા રાજકીય હુમલા કર્યા હતા.ગુજરાત કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ આજે ગાંધીનગર ખાતે ધમાકેદાર રીતે પહોંચી હતી. યાત્રાનું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યું હતું, જ્યારે વિપક્ષ નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, સ્થાનિક આગેવાન નિશીત વ્યાસ, હિમાંશુ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા. યાત્રાની શરૂઆત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતે બાઈક ચલાવી કરી હતી. ડી.જે.ના થનગનતા સાઉન્ડ સાથે બાઈક રેલી આગળ વધી હતી. કાર્યકરોમાં ખાસ્સો ઉત્સાહ જાેવા મળ્યો હતો અને સમગ્ર માર્ગમાં રેલીનું તાબડતોબ સ્વાગત કરવામાં આવ્યું.
રેલી દરમિયાન અમિત ચાવડાએ ભાજપ સરકાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કાનૂન વ્યવસ્થાના મુદ્દે સરકાર પર તીખા રાજકીય હુમલા કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જણાવ્યું છે કે, ગુજરાતના લોકોનો અવાજ બની ગઈ છે. જન આક્રોશ યાત્રા ગાંધીનગરમાં આગમન પર યુવાનો સાથે આયોજિત બાઇક રેલીમાં ભાગ લીધો.
અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્યમાં દારૂનો પ્રશ્ન એટલો ગંભીર છે કે, “ભાજપના ધારાસભ્ય અને તેમના કાર્યકરોને પણ પૂછો તો કહેશે કે દારૂ સહેલાઇથી મળે છે.”
ચાવડાએ આરોપ કર્યો કે, “ગુજરાતમાં પીવાનું પાણી મળતું ન હોય પણ દારૂ અને ડ્રગ્સ ઠેર–ઠેર મળે છે. રાજ્યની બહેન–દીકરીઓ વિધવા થાય છે, તેની પાછળ સરકારમાં બેઠેલા લોકો જવાબદાર છે.”
ચાવડાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર સીધી ટીકા કરતા કહ્યું કે, “હપ્તો ઉઘરાવનારાઓને આ સરકાર પ્રમોશન આપે છે. મુખ્યમંત્રી પાસે હતું એ ગૃહ ખાતું હર્ષ સંઘવીને કેમ અપાયું? એમના કાર્યકાળમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાયું છે.” ચાવડાએ રાજ્ય સરકાર પર વધુ એક પ્રહાર કરતાં કહ્યું કે, “કોંગ્રેસના શાસનમાં કચ્છમાં ટ્રેન મારફતે પાણી પહોંચતું હતું. પરંતુ આજે ભાજપના શાસનમાં કચ્છમાં ટ્રેન મારફતે દારૂ પહોંચે છે. કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રા રાજ્યના અનેક જિલ્લાઓમાં સરકારના ‘નિષ્ફળ કામકાજ’ મુદ્દે ચાલી રહી છે. ગાંધીનગરમાં આજે યાત્રાએ તીવ્ર રાજકીય ગરમાવો પેદા કર્યો હતો.




