
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી NIAના કાશ્મીરમાં ૩ મુખ્ય આરોપીના ઠેકાણે દરોડા NIA દ્વારા કાશ્મીર ઘાટીના કાઝીગુંડ સહિત વિવિધ વિસ્તારોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા
દિલ્હીમાં ૧૦ નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા આતંકી હુમલાના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા મોટા પાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ હુમલા સાથે જાેડાયેલા આતંકી મોડ્યુલને મૂળમાંથી નાબૂદ કરવા NIAએ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં વધાર્યો છે.
NIA દ્વારા કાશ્મીર ઘાટીના કાઝીગુંડ સહિત વિવિધ વિસ્તારોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટના આરોપીઓ ડૉ. અદીલ, ડૉ. મુઝફ્ફર અને જસિફ જે વિસ્તારના રહેવાસી છે, ત્યાં આ કાર્યવાહી ચાલી રહી છે. તપાસ દરમિયાન કાઝીગુંડમાં ડૉ. અદીલ અને જાસિર બિલાલના ઘરે, શોપિયાંમાં મૌલવી ઇરફાનના ઘરે, તેમજ પુલવામાના કોઇલમાં ડૉ. મુઝમ્મિલ અને સાંબુરામાં આમિર રશીદના ઘરે તલાશી લેવામાં આવી. અગાઉ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને NIA પણ જૈશના આંતરરાજ્ય વ્હાઈટ કોલર મોડ્યુલના ષડયંત્રની તપાસ કરી ચૂક્યા છે.
આ કાર્યવાહી તાજેતરમાં પર્દાફાશ થયેલા વ્હાઈટ કોલર આતંકી મોડ્યુલને પગલે કરવામાં આવી છે. આ મોડ્યુલ સાથે જાેડાયેલા લોકો પાસેથી, મુખ્યત્વે હરિયાણાના ફરીદાબાદમાંથી, લગભગ ૩,૦૦૦ કિલો એમોનિયમ નાઈટ્રેટ સહિત વિસ્ફોટક મળી આવ્યું હતું. દિલ્હી બ્લાસ્ટ અને હથિયારોની જપ્તીના સંદર્ભમાં પોલીસે ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરના પુલવામા અને શ્રીનગર જિલ્લાની હોસ્પિટલોના લોકરોનું ઓચિંતું નિરીક્ષણ પણ કર્યું હતું.
આતંકી મોડ્યુલને ઊંડાણપૂર્વક ઉકેલવા માટે NIAએ તપાસને યુપી, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર સહિત ઘણા રાજ્યોમાં ફેલાવી દીધી છે. શરૂઆતી પુરાવાના આધારે, એજન્સી ડૉક્ટર શાહીનને ફરીદાબાદ લઈ ગઈ, જ્યાં તેના જૂના નેટવર્ક અને સુરક્ષિત ઠેકાણાઓની તપાસ કરાઈ. તપાસને આગળ ધપાવતા, NIAએ લખનઉ, કાનપુર, સહારનપુર, ફરીદાબાદ અને જમ્મુ-કાશ્મીરને કોર ઝોન તરીકે ચિહ્નિત કર્યા છે. આ વિસ્તારોમાં હાલમાં સઘન દરોડા, ઇન્ટેલિજન્સ ઓપરેશન અને સ્થાનિક સ્તરે નેટવર્કની મેપિંગનું કામ ચાલી રહ્યું છે, જે ખીણમાં સક્રિય આતંકવાદી તત્ત્વોના નેટવર્કને તોડી પાડવાનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.




