
ભાદર નદીમાં ઠાલવ્યું ઝેરી કેમિકલ.રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા.ભાદર નદીમાં ઝેરી કેમિકલ ઠાલવતા સફેદ ફીણની ચાદર પથરાઈ, ખેતી અને પીવાના પાણી પર જાેખમ.રાજકોટ જિલ્લાની જીવાદોરી સમાન ભાદર નદી અત્યારે Pollution માફિયાઓના પાપે અંતિમ શ્વાસ લઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેતપુરના કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડાતા નદી પર સફેદ ફીણની ચાદર પથરાઈ ગઈ છે. દ્રશ્યો જાેતા એવું લાગે જાણે ભરશિયાળે બરફ વર્ષા થઈ હોય, પરંતુ આ કુદરતી સુંદરતા નથી, પણ ઉદ્યોગો દ્વારા ઠાલવવામાં આવેલું ઝેર છે.
નવાઈની વાત તો એ છે કે જેતપુરમાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની કચેરી આવેલી છે. તેમ છતાં અધિકારીઓની નાક નીચે ગેરકાયદે એકમો બેરોકટોક નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવી રહ્યા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓ ઓફિસમાં બેસીને માત્ર તમાશો જાેઈ રહ્યા છે અથવા તો પ્રદૂષણ ફેલાવતા તત્વો પર તેમની રહેમ નજર છે.
ભાદર-૨ ડેમમાંથી ખેડૂતો ખેતી માટે પાણી મેળવે છે અને આ જ ડેમમાંથી ધોરાજી શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. કેમિકલયુક્ત પાણીના કારણે ખેતીની જમીન બંજર બની રહી છે અને માલ-ઢોર સહિત હજારો લોકોના સ્વાસ્થ્ય પર જાેખમ ઊભું થયું છે. અનેક રજૂઆતો છતાં સ્થિતિ જસની તસ છે. શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઈ મોટી હોનારતની રાહ જાેઈ રહ્યું છે?
જીપીસીબીના અધિકારીઓ ભલે બધું બરાબર હોવાના દાવા કરે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભાદર નદી હવે ગુજરાતની જ નહીં પણ દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓની યાદીમાં સ્થાન પામી છે. જાે સત્વરે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ વિસ્તારમાં ભયાનક રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.




