
ગ્રામસભામાં લેવાયો ઐતિહાસિક ર્નિણય.જાે કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાશે બનાવેલા ‘પાંજરા’માં પૂરવામાં આવશે.મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે વ્યસનમુક્તિ માટે એક અત્યંત અનોખો ર્નિણય લીધો.ગુજરાતમાં દારૂબંધીના કાયદાની અમલવારી વચ્ચે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે વ્યસનમુક્તિ માટે એક અત્યંત અનોખો અને કડક ર્નિણય લીધો છે. ગામને દારૂબંધી અને વ્યસનમુક્ત બનાવવા માટે ગ્રામજનોએ એકજુટ થઈને જાહેર કર્યું છે કે, જાે કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાશે તો તેને પોલીસને સોંપતા પહેલા ગામમાં ખાસ બનાવેલા ‘પાંજરા’માં પૂરવામાં આવશે.
ગઈકાલે રાત્રે પાંછા ગામમાં સરપંચ અને ગામના વડીલોની હાજરીમાં એક વિશાળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગામના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં દારૂના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે સમસ્ત ગ્રામજનોએ વ્યસન મુક્તિના શપથ લીધા હતા. આ દરમિયાન ઠરાવ પસાર કરવામાં આવ્યો કે ગામમાં દારૂ પીનારા તત્વો માટે એક ખાસ પાંજરું બનાવવામાં આવશે.
સામાન્ય રીતે દારૂ પીતા પકડાય ત્યારે પોલીસ કાર્યવાહી થતી હોય છે, પરંતુ પાંછા ગામના લોકોએ સામાજિક શિસ્ત જાળવવા આ નવો રસ્તો અપનાવ્યો છે. જે કોઈ પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પકડાશે, તેને જાહેરમાં પાંજરામાં પૂરી રાખવામાં આવશે જેથી તેની ફજેતી થાય અને બીજા લોકો પણ આવું કૃત્ય કરતા અટકે. આ સજા બાદ જ તેને પોલીસને સોંપવામાં આવશે.
ગામના સરપંચ અને આગેવાનોએ ખાતરી આપી છે કે આ ર્નિણયની અમલવારી ખૂબ જ કડક રીતે કરવામાં આવશે. ગ્રામજનોનું માનવું છે કે કાયદાની સાથે આવી અનોખી સજાથી ગામમાં શાંતિ જળવાશે અને યુવા પેઢી બરબાદ થતી બચશે. ખેરાલુ પંથકમાં પાંછા ગામનો આ અનોખો ર્નિણય અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આમ, મહેસાણાનું પાંછા ગામ હવે રાજ્યના અન્ય ગામો માટે વ્યસનમુક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા જઈ રહ્યું છે.




