
શાળા સંચાલકોનું મૌન.પાલનપુરની એકલવ્ય સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો વિસ્ફોટ.સ્કૂલમાં બપોરના ભોજન બાદ ૩૨ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.પાલનપુર તાલુકાના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડલ સ્કૂલમાં શિષ્યોના ભોજનમાં બેદરકારીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળામાં બપોરનું ભોજન લીધા બાદ એકસાથે અનેક બાળકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં ૧૦ બાળકોને અસર થયા બાદ, વધુ ૨૨ બાળકોની હાલત બગડતા કુલ ૩૨ વિદ્યાર્થીઓને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, શાળામાં બપોરના ભોજનમાં વિદ્યાર્થીઓને દાળ-ભાત આપવામાં આવ્યા હતા. આ ભોજન આરોગ્યાના થોડા જ સમય બાદ વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો અને ઊલટી જેવી ફરિયાદો થવા લાગી હતી.
ફૂડ પોઈઝનિંગની અસર એટલી ગંભીર હતી કે હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતી રહી હતી. હાલમાં તમામ ૩૨ વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં તબીબોની દેખરેખ હેઠળ છે.
ઘટનાની જાણ થતા જ મીડિયાકર્મીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં શાળાનો સ્ટાફ પણ હાજર હતો. જાેકે, આટલી મોટી બેદરકારી છતાં શાળાના જવાબદાર અધિકારીઓ અને સ્ટાફે મીડિયાના કેમેરા સામે કશું પણ કહેવાનો ઇનકાર કરી મૌન સેવી લીધું હતું. સત્તાધીશોની આ ચૂપકીદી સામે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે અને વાલીઓમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ મહેસાણાના સતલાસણાની મોર્ડન સ્કૂલમાં ક્રિસમસની ઉજવણી બાદ ૧૯થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. ઉપરાઉપરી બનતી આવી ઘટનાઓએ શિક્ષણ વિભાગની કામગીરી અને શાળાઓમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. હાલમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે ઊંડી તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.




