
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સતત વધતા જનસમર્થન અને સંગઠનના વિસ્તરણને લઈ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. વિડિયોના માધ્યમથી તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જનતાના મૂળભૂત મુદ્દાઓ માટે સંઘર્ષ કરી રહી છે. છેવાડાના અને વંચિત વર્ગ સુધી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચતા થયા છે, જેના પરિણામે જનતા તરફથી આમ આદમી પાર્ટીને મજબૂત સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી બાદ જનતામાં આમ આદમી પાર્ટી પ્રત્યે નવી આશા અને વિશ્વાસ ઊભો થયો હોવાનું તેમણે જણાવ્યું. આ વિશ્વાસના કારણે પાર્ટી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. તાજેતરમાં એક પ્રતિષ્ઠિત એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વેમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં બીજા નંબરની મજબૂત રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ સર્વેમાં વિસ્તારવાઈઝ આપવામાં આવેલા આંકડાઓ સ્પષ્ટ કરે છે કે રાજ્યભરમાં આમ આદમી પાર્ટીને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે અને એક વાસ્તવિક વિકલ્પ તરીકે પાર્ટી ઉભરી રહી છે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે સર્વેના આંકડા અને જનતાનું મળતું સમર્થન એકબીજાને પૂરક છે. વર્ષોથી ગુજરાતમાં વિકલ્પના અભાવે જનતાને મજબૂરીવશ મત આપવો પડતો હતો, પરંતુ હવે આમ આદમી પાર્ટી એક વિશ્વસનીય વિકલ્પ બની છે અને દિવસે ને દિવસે જનસમર્થન વધતું જઈ રહ્યું છે. આવનારા દિવસોમાં, ખાસ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027માં રાજ્યમાં મોટું પરિવર્તન આવશે, વ્યવસ્થા પરિવર્તન થશે અને આમ આદમી પાર્ટી સરકાર બનાવશે.




