
ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો ર્નિણય૨૦૨૬-૨૭ના ટેકાના ભાવો નક્કી કરવા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈઆગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ રવિ અને ખરીફ પાકોના ટેકાના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને ભલામણ મોકલવાનો મુખ્ય એજન્ડા રહ્યો હતોગુજરાતના ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનોના વાજબી અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ન્યૂનતમ ટેકાના ભાવ કમિટીની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ રવિ અને ખરીફ પાકોના ટેકાના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને ભલામણ મોકલવાનો મુખ્ય એજન્ડા રહ્યો હતો.
આ બેઠક દરમિયાન પાકોના ઉત્પાદન ખર્ચ, બિયારણ, ખાતર, મજૂરી, બજારની સ્થિતિ તેમજ ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જે મામલે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે અને ૨૦૨૬-૨૭ માટે જીરું, ઘઉં, રાયડો તેમજ અન્ય તેલીબિયાં સહિતના પાકો માટે વાજબી અને વ્યવહારુ ભાવની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.
નોંધનીય છે કે, ગાંધીનગરમાં યોજાયેલી આજની આ બેઠકમાં કૃષિ અને સહકાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. કિસાન સંઘ દ્વારા ખેતીના વધતા ખર્ચ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ સરકારે ખાતરી આપી હતી કે, ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે MSP અંગેની ભલામણો તૈયાર કરવામાં આવશે.
ઉપરાંત રાજ્ય સ્તરેથી તૈયાર થયેલ રિપોર્ટ હવે કેન્દ્રના કૃષિ મંત્રાલય તથા ‘કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસીસ’ને મોકલવામાં આવશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે. જે અનુસાર, કેન્દ્ર સરકાર રાજ્યની ભલામણોને આધારે આગામી સીઝન માટે દેશવ્યાપી MSP જાહેર કરશે. ત્યારે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રાજ્યમાં મગફળી, સોયાબીન અને અડદ જેવી ઉપજની મોટા પાયે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી, જેના કારણે લાખો ખેડૂતોને સીધો લાભ થયો હતો.આ વચ્ચે મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના અન્ય મહત્વના ર્નિણયોની પણ માહિતી આપી હતી કે, કેબિનેટ બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીના અવસાન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ ડાવોસ ખાતે યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નાયબ મુખ્યમંત્રી સાથે રાજ્યના પ્રતિનિધિ મંડળે ભાગ લીધો હતો અને ત્યાં ભારત પ્રત્યે વ્યક્ત થયેલી સકારાત્મક લાગણી બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, ઉત્તર ગુજરાતની ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે અમદાવાદ-મહેસાણા માર્ગને ૮ લેન બનાવવાની મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આજની કેબિનેટ બેઠકમાં અપાઈ હોવાની માહિતી પણ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં આપી હતી, જે બાબતેની મળતી વિગતો અનુસાર, ૯૧.૬૦ કિમી લાંબા આ અમદાવાદ-મહેસાણા માર્ગ પર ૮ ફ્લાયઓવર અને ૮ અંડરપાસ બનાવાશે.
સાથે આદિજાતિ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક ઊભું કરવા માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને ભારત નેટને સૂચના પણ આપવામાં આવી છે, તેમજ સહકારી મંડળીઓ, જેમની ચૂંટણી પ્રક્રિયા બાકી છે અથવા ચાલુ છે, તેમને જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી ચૂંટણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે પછાત વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી વધારવા પીએમ સડક યોજના અંતર્ગત રૂ.૨૬૦૦ કરોડના ખર્ચે નવા રોડ રસ્તા બનાવવાની જાહેરાત પણ આજની કેબિનેટની બેઠક બાદ કરવામાં આવી છે.




