Gujarat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમણે અમદાવાદથી 85 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતુ. આ ઉપરાંત તેમણે 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અને નેનાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે અને ગાંધી આશ્રમ સ્મારકનાં માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે, ત્યારબાદ તેઓ બપોરે 1-45 વાગ્યે રાજસ્થાનના પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર બે એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના સંયુક્ત પ્રદર્શન ‘ભારત શક્તિ’નાં સાક્ષી બનશે.
નવી વંદે ભારત ટ્રેનો ક્યાં દોડશે?
1. અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ
2. સિકંદરાબાદ – વિશાખાપટ્ટનમ
3. મૈસુર – ડૉ. એમજીઆર સેન્ટ્રલ (ચેન્નઈ)
4. પટના – લખનઉ
5. ન્યૂ જલપાઈગુડી – પટના
6. પુરી – વિશાખાપટ્ટનમ
7. લખનઉ – દહેરાદૂન
8. કાલાબુરાગી – સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ બેંગલુરુ
9. રાંચી – વારાણસી
10. ખજુરાહો – દિલ્હી (નિઝામુદ્દીન)
આ વંદે ભારત ટ્રેનોના રૂટ વધ્યા છે
1. અમદાવાદ – જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે દ્વારકા સુધી દોડશે.
2. અજમેર – દિલ્હી સરાય રોહિલ્લા વંદે ભારત ટ્રેન હવે ચંદીગઢ સુધી લંબાવવામાં આવી છે.
3. ગોરખપુર – લખનઉ વંદે ભારત ટ્રેન પ્રયાગરાજ સુધી લંબાવવામાં આવી છે.
4. તિરુવનંતપુરમ – કાસરગોડ વંદે ભારત ટ્રેનને મેંગલુરુ સુધી લંબાવવામાં આવી છે.
સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ’નો પણ પ્રારંભ કરાવશે
અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક સાબરમતી આશ્રમનું રૂપિયા 1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે. આજે દાંડી કૂચ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ’ નો પ્રારંભ કરાવશે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન અનેક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી રહ્યો છે. 17 જૂન 1917ના સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે 132 એકરમાં ફેલાયેલા સાબરમતી આશ્રમની જમીનની કિંમત રૂપિયા 26972 જ્યારે મકાનોની કિંમતનો રૂપિયા 2,95,121નો ખર્ચ થયો હતો.