
સુરત આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી તથા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરાએ સુરતના વેલંજામાં આવેલી શાળાની હાલત અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે નવું શાળાનું મકાન સંપૂર્ણ તૈયાર હોવા છતાં માત્ર ઉદ્ઘાટન માટે સમય ન મળતા બાળકોને જૂના અને જર્જરિત મકાનમાં ભણવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. માહિતી મુજબ ધોરણ 1 થી 5 માં 639 વિદ્યાર્થીઓ અને ધોરણ 6 થી 8 માં 397 વિદ્યાર્થીઓ ભણે છે. જગ્યાના અભાવે એક જ શાળામાં બે પાળી ચલાવવામાં આવે છે. તેમ છતાં પૂરતી જગ્યા ન હોવાથી બાળકોને ગીચોગીચ પરિસ્થિતિમાં, લોબીમાં અને અયોગ્ય ઓરડાઓમાં બેસાડી પરીક્ષા લેવાઈ રહી છે.
AAP નેતા રાકેશ હિરપરાએ વધુમાં જણાવ્યું કે ત્રણ-ત્રણ વખત ઉદ્ઘાટનની તારીખો જાહેર કરવામાં આવી હોવા છતાં કાર્યક્રમ યોજાયો નથી. પરિણામે નવું મકાન બંધ પડ્યું છે અને બાળકો ખુલ્લામાં તથા સંકુચિત જગ્યામાં ભણવા મજબૂર છે. પરીક્ષાના સમયગાળામાં વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોમ્પ્યુટર રૂમ સહિતના નાના ઓરડાઓમાં વિદ્યાર્થીઓને ગોઠવી પરીક્ષા લેવાઈ રહી છે, જે સુરક્ષા અને આરોગ્ય બંને દ્રષ્ટિએ જોખમી છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે ? રાકેશ હિરપરાએ ભાજપના શાસકોને અપીલ કરી કે તેમને જેટલી ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવી હોય તે કરી લે, પોતાનું નામ લગાવી દે, પરંતુ બાળકોને તેમના અધિકારરૂપ શાળાનું નવું મકાન તાત્કાલિક સોંપવામાં આવે. બાળકોની શિક્ષણની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનો રાજકીય ખેલ ન રમાવો જોઈએ અને તરત જ નવું મકાન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવું જોઈએ.




