
મન કી બાતનો ૧૩૧મો એપિસોડ બ્રોડકાસ્ટ થયો AI થી બદલાઈ રહ્યું છે ભારતનું ભવિષ્ય : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા સમયમાં વિશ્વ AI ની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરશે તે દિશામાં આ સમિટ એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ છે : વડાપ્રધાન મોદી
આજે રવિવારે (૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતનો ૧૩૧મો એપિસોડ બ્રોડકાસ્ટ થયો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મન કી બાત એ દેશ અને દેશવાસીઓની સિદ્ધિઓને સામે લાવવાનું એક મજબૂત પ્લેટફોર્મ છે. તેમણે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી Global AI Impact Summit નો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ સમિટમાં દેશે એક અદ્ભુત ઉપલબ્ધિ હાંસલ કરી છે.
મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે, આ Global AI Impact Summit માં વિવિધ દેશોના નેતાઓ, ઉદ્યોગ જગતના લીડર્સ, ઇનોવેટર્સ અને સ્ટાર્ટ-અપ સેક્ટરના લોકો ભારત મંડપમમાં એકઠા થયા હતા. આવનારા સમયમાં વિશ્વ AI ની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરશે તે દિશામાં આ સમિટ એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમિટમાં મને વિશ્વના લીડર્સ અને ટેક CEOs સાથે મુલાકાતનો મોકો મળ્યો. AI સમિટ એક્ઝિબિશનમાં મેં વિશ્વના નેતાઓને ઘણી બાબતો બતાવી. આ સમિટમાં બતાવવામાં આવ્યું કે AI કેવી રીતે પશુઓના ઇલાજમાં મદદ કરી રહ્યું છે અને કેવી રીતે ખેડૂતો ૨૪ટ૭ AI અસિસ્ટન્સની મદદથી પોતાની ડેરી અને પશુઓ પર નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આ સમિટને ભારતની AI ક્ષમતાનું પ્રદર્શન ગણાવ્યું અને કહ્યું કે તે વિશ્વને આશ્ચર્યચકિત કરી દેનારી ભારતીય ઇનોવેશન્સનું ઉદાહરણ છે. તેમણે ખેડૂતો અને પશુપાલન ક્ષેત્રમાં AI ના ઉપયોગને હાઇલાઇટ કરીને ભારતની સમાવેશી અને પરિવર્તનશીલ AI વિઝન પર ભાર મૂક્યો.
આ એપિસોડમાં PM મોદીએ અમ્મા જયલલિતાને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે, દેશમાં જેમણે સમાજની ભલાઈ માટે કામ કર્યું છે અને જનતાને પ્રાથમિકતા આપી છે, તેઓ હંમેશા લોકોના દિલમાં રહે છે. અમ્મા જયલલિતા એવા જ એક લોકપ્રિય લીડર હતા. ૨૪ ફેબ્રુઆરીએ તેમની જન્મજયંતિ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, હું આજે પણ તમિલનાડુના લોકોના મનમાં તેમના માટે જે ઊંડો લગાવ છે તે અનુભવું છું. જ્યારે હું રાજ્યમાં જાઉં છું ત્યારે અમ્મા જયલલિતાનું નામ લેતાં જ લોકોના ચહેરા પર ચમક આવી જાય છે. તેઓ મારા ગુજરાતમાં શપથ ગ્રહણ સમારોહમાં પણ આવ્યા હતા. તેમની વિચારસરણી ખૂબ જ સ્પષ્ટ હતી.
બોર્ડના પરીક્ષાર્થીઓને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આશા રાખું છું કે તમે આ મહિનાની શરૂઆતમાં પરીક્ષા પે ચર્ચા જાેઈ હશે અને તેમાંથી કંઈક શીખ્યા પણ હશો. તમે બધા પરીક્ષા વોરિયર્સ છો. મને પૂરો વિશ્વાસ છે કે તમે સૌ પૂરા મનથી તમારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ અરેસ્ટ અને ઓનલાઈન ફ્રોડના વધતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, જાગૃતિ વધી રહી છે તેમ છતાં લોકો હજુ પણ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણ્યા કોલ, લિંક કે સરકારી અધિકારી બનીને ડરાવનારા લોકોથી સાવધાન રહેવું.




