
ફોરેન ટ્રીપની લાલચ આપી હાઈબ્રીડ ગાંજાની હેરાફેરીનું રેકેટ થાઇલેન્ડ ફરી આવો, મસાજ કરાવો અને ગાંજાે લેતા આવો દરેક ટ્રીપના લાખો રૂપિયાનું કમિશન આપવાની લાલચ આપી યુવાનોને થાઈલેન્ડ મોકલવામાં આવતા હતા અમદાવાદમાં હાઈબ્રીડ ગાંજાની વધતી માગ વચ્ચે ગાંજાના સપ્લાયરો દ્વારા યુવાનોને થાઈલેન્ડની ટ્રીપની લાલચ આપી હેરાફેરી કરાવવાની ચોંકાવનારી વિગતો ખૂલી છે. અમદાવાદ એસઓજીના અધિકારીઓએ સરદારનગર પોલીસ સ્ટેશન નજીકથી એક મહિલા સહિત બે પેડલરને અંદાજે રૂ. ૮ કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડતા સમગ્ર રેકેટ બહાર આવ્યું છે. પોલીસના હાથે ઝડપાયેલી જીયા ઉર્ફે જેસીકા ઉર્ફે આકાંક્ષા પ્રજાપતિ તેના પિતરાઈ ભાઈ ચેતન પ્રજાપતિ સાથે ગાંજાે વેચવા નીકળી હતી ત્યારે એસઓજીની ટીમે દરોડો પાડી બંનેને ઝડપી લીધા હતા. આરોપીની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે, જીયાની ઓળખ થાઈલેન્ડમાં સુરતના મિલન વઘાસિયા સાથે થઈ હતી. ત્યારબાદ તેની ઓળખાણ અમદાવાદના અમન જાેશી સાથે કરાવવામાં આવી હતી. અમન જાેશી અને મિલન વઘાસિયા થાઈલેન્ડથી મોટા પ્રમાણમાં હાઈબ્રીડ ગાંજાે ગુજરાતમાં લાવતા હોવાનું સામે આવ્યું છે. તેમણે જીયાને ગાંજાની હેરાફેરીમાં કરવા માટે લાખો રૂપિયાની ઓફર કરી હતી.
જાે કે જીયાએ પોતે ગાંજાે લાવવાનો ઇનકાર કર્યાે હતો. ત્યારબાદ તેને જરૂરિયાતમંદ અને બેરોજગાર યુવાનો શોધી આપવા માટે કવાયત કરી હતી. દરેક ટ્રીપના લાખો રૂપિયાનું કમિશન આપવાની લાલચ આપી યુવાનોને થાઈલેન્ડ મોકલવામાં આવતા હતા. જીયાએ ચાર યુવકો શોધી આપ્યા હતા, જે થાઈલેન્ડ જઈ હાઈબ્રીડ ગાંજાે લઈને આવ્યા હોવાનું ખુલ્યું છે. આ ચારેય પેડલરો શોધી આપવા બદલ જીયાને પણ તગડું કમિશન આપવાની ઓફર કરવામાં આવી હતી. કમિશન મળ્યું કે નહીં તે તપાસનો વિષય છે. એસઓજીએ ગાંજાના મુખ્ય સપ્લાયર અમન જાેશી અને મિલન વઘાસિયાને પણ ઝડપી લીધા છે અને તેમની વધુ પૂછપરછ ચાલી રહી છે.આ પ્રકરણની તપાસમાં એવી વિગતો સામે આવી રહી છે કે, જે યુવાનો પાસે કોઈ કામ ધંધો નથી તેમને ગાંજાના સપ્લાયરો થાઈલેન્ડના પ્રવાસે મોકલે છે. તેમનો હરવા ફરવાનો ખર્ચાે ઉપાડે છે અને ત્યાં તેમને મોજ શોખ માટેની સુવિધા પણ કરી આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત જ્યારે યુવાનો પરત અમદાવાદ અથવા મુંબઈ આવે ત્યારે તેમણે ચોક્કસ પ્રમાણમાં ગાંજા કે બેગ આપવામાં આવતી હોય છે તે સલામત રીતે તેમણે અમદાવાદ અથવા મુંબઈના સપ્લાયરને પહોંચાડી દેવાની હોય છે. ગાંજાનો જથ્થો સપ્લાયર પાસે પહોંચી જાય ત્યારે તેમને નક્કી કરેલું કમિશન મળી જતું હોય છે. જાે આ કવાયત દરમિયાન ઝડપાઈ જાય તો તેને છોડાવવાની સંપૂર્ણ જવાબદારી પણ સપ્લાયરો નિભાવતા હોય છે. જેને કારણે ગાંજાની દાણચોરી અને હેરાફેરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે. તાજેતરમાં ગાંજા સાથે જે પેડલર ઝડપાયા છે તેમની પૂછપરછમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, કેટલાક પહેલી વખત થાઈલેન્ડ ગયા હતા, જ્યારે કેટલાક ઘણી વખત થાઈલેન્ડ જઈને આવ્યા છે.




