
આત્મહત્યા વિશે સર્ચ કરતાં બાળકોના વાલીઓને એલર્ટ કરાશે ઈન્સ્ટાગ્રામના પેરેન્ટલ સુપરવિઝન પ્રોગામમાં સામેલ વાલીઓને ઈમેઈલ કે વોટ્સએપ પર જાણ કરાશે.
જેન-ઝીમાં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયાનું વળગણ સતત વધી રહ્યું છે. આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ રચનાત્મક બાબતો માટે કરવાની સાથે સાથે જ હવે નવી પેઢી તેનો ઉપયોગ પોતાને નુકસાન પહોંચાડવા કે આત્મહત્યાની પદ્ધતિઓ શોધવા માટે પણ કરી રહી હોવાનો ચિંતાજનક ટ્રેન્ડ સામે આવી રહ્યો છે. જેને પગલે ઈન્સ્ટાગ્રામે જણાવ્યું હતું કે, જાે કોઈ બાળક તેના પ્લેટફોર્મ પર વારેઘડીએ આત્મહત્યા કે પોતાની જાતને નુકસાન પહોંચાડે તેવી બાબતો અંગે સર્ચ કરતો જણાશે તો તે આવા બાળકોના માબાપને તેની જાણ કરતી એલર્ટ મોકલશે. આવી એલર્ટ માત્ર એવા માબાપને મોકલવામાં આવશે જેઓ ઈન્સ્ટાગ્રામના પેરેન્ટલ સુપરવિઝન પ્રોગામમાં સામેલ હશે.આ એલર્ટ, કંપની પાસે ઉપલબ્ધ માબાપની વિગતોને આધારે ઈમેલ, ટેક્સ્ટ મેસેજ અથવા વોટ્સએપ પર ઉપરાંત તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ મોકલવામાં આવશે. ઈન્સ્ટાગ્રામે જણાવ્યું હતું કે, તેણે બાળકોના એકાઉન્ટ્સના સર્ચ રિઝલ્ટમાં આવી સામગ્રી ઘણાં સમયથી બ્લોક કરી છે.
એટલું જ નહીં તેણે આવી સર્ચ કરતાં લોકોને હેલ્પલાઈન તરફ દોરી જવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા પર બાળકોને થતાં નુકસાનના મામલે બે કેસ ચાલી રહ્યાં છે. આ પૈકી લોસ એન્જેલસમાં ચાલતાં કેસમાં મેટાની કામગીરી પર સવાલ ઉભાં કરાયા છે કે શું મેટાનું પ્લેટફોર્મ્સ જાણી જાેઈને સગીર વયના બાળકોને લત લગાડી તેમને નુકસાન પહોંચાડી રહ્યું છે. જ્યારે ન્યૂ મેક્સિકોમાં ચાલતાં કેસમાં, મેટા તેના પ્લેટફોર્મ પર દર્શાવાતી જાતીય શોષણની સામગ્રીથી બાળકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે કે કેમ તે મુદ્દે તપાસ કરાઈ રહી છે. મેટા અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ જાણી જાેઈને બાળકોને લત લાગે તેવી રીતે તેમનું પ્લેટફોર્મ ડીઝાઈન કરી રહ્યા હોવાનો તથા તણાવ તથા આત્મહત્યા તરફદોરી જતી સામગ્રીથી બાળકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો સાથે હજારો પરિવારો ઉપરાંત શાળાઓ અને સરકારી એકમોએ મેટા ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ કેસો કર્યાં છે. તાજેતરમાં મેટાના સીઈઓ માર્ક ઝૂકરબર્ગે તેમના પ્લેટફોર્મ્સને કારણે લોકો તેની લતે ચઢતાં હોવાના દાવાને ફગાવી દીધો હતો.




