
ખેડૂતોના હક માટે નિકળેલ આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા અંતિમ મોડ પર છે. આવતી કાલે આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં સમાપન છે ત્યારે સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના વિરમગામના કુમારખાન ગામે પહોંચી હતી, અહીં આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે સોમનાથમાં દર્શન કરીને શરૂ થયેલી આ યાત્રા આજે અહીં આવી પહોંચી છે અને આવતીકાલે ગાંધીનગર મુકામે રામકથા ગ્રાઉન્ડ ખાતે અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં સમાપન થવાનું છે. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જનમેદની અને ગુજરાતના ખેડૂતો ઉપસ્થિત રહેશે. પ્રવીણ રામે જણાવ્યું કે થોડા વર્ષો પહેલાં તમે સિંચાઈના પાણી માટે બત્રીસ ગામોએ આંદોલન કર્યું હતું, પરંતુ તમારા આ આંદોલનને ભાજપ સરકારે પોલીસ દ્વારા દબાવી દીધું હતું. તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જગ્યાએ તમારા આંદોલનને તોડી નાખવામાં આવ્યું. તેમણે કહ્યું કે જ્યારે તમે સિંચાઈના પાણી માટે લડાઈ લડો છો, પછી જયારે ચૂંટણી આવે છે અને નેતાઓ અહીં આવીને પાણીના પ્રશ્નોની વાતો કરીને તમારો મત લઈ જાય છે. પરંતુ વર્ષો વીતી ગયા છતાં આજે પણ તમને પૂરતું સિંચાઈનું પાણી મળતું નથી. લોકો મત લેવા માટે આવે છે, થોડા વચનો આપે છે અને પછી સમસ્યાઓનું કોઈ નિરાકરણ થતું નથી.
વધુમાં ખેડૂત નેતા પ્રવીણ રામે જણાવ્યું કે અમે ખેડૂતો માટે 108 દિવસ જેલમાં રહ્યા છીએ. જેલમાં રહેવું સહેલું નથી. પરિવારથી દૂર ચાર દિવાલોની વચ્ચે રહેવું પડે છે, ક્યારે જામીન મળશે તેની પણ ખબર પડતી નથી. છતાં અમે ખેડૂતો માટે આ સજા ભોગવી છે. જેલમાંથી બહાર આવીને અમે તૂટી ગયા નથી, પરંતુ વધુ મજબૂત બનીને બહાર આવ્યા છીએ. તેમણે જણાવ્યું કે કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આશાવર્કરો અને આંગણવાડી બહેનો સહિત અનેક વર્ગો ન્યાય માટે લડી રહ્યા છે. વર્ષ 2016માં થયેલા આંદોલન દરમિયાન પગારમાં વધારો મેળવવામાં સફળતા મળી હતી. સૌરાષ્ટ્રમાં ઈકો ઝોન મુદ્દે ખેડૂતો માટે લડાઈ લડવામાં આવી હતી અને તે સમયે હું 14 દિવસ સુધી આમરણાંત ઉપવાસ પર બેઠો હતો અને અંતે સરકારને ઝૂકવું પડ્યું અને તે નિર્ણય અટકાવવો પડ્યો. પ્રવીણ રામે જણાવ્યું કે ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. ક્યાંક પાણી વધારે હોય તો તેનો નિકાલ થતો નથી અને જ્યાં જરૂર હોય ત્યાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા નથી. સરકારનું આયોજન સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોની મહેનતથી ઉપજેલો ડાંગર સરકાર ખરીદે છે, પરંતુ ઘણા ખેડૂતોને એક વર્ષ વીતી જાય છતાં પૈસા મળ્યા નથી. સરકાર કહે છે કે 15 દિવસમાં સહાય મળી જાય છે, પરંતુ હકીકતમાં ઘણા ખેડૂતોના ખાતામાં હજુ સુધી પૈસા પહોંચ્યા નથી. જો સરકારને વિશ્વાસ ન હોય તો ગામોમાં જઈને તપાસ કરી શકાય છે. આ બધા પ્રશ્નો સામે લડવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. હું યુવાન તરીકે અને તમારા દીકરા તરીકે વિનંતી કરું છું કે નવા લોકોને તક આપો. આવનારી તાલુકા અને જિલ્લા સ્તરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડશો તો તમને ખબર પડશે કે તમારા પ્રશ્નોનો સાચો ઉકેલ કેવી રીતે આવે છે.




