મુખ્યમંત્રી સુરત અને વલસાડની લેશે મુલાકાત ગુજરાતમાં ભારે વરસાદ, CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિનો માત્ર રિપોર્ટ લઈને બેસી રહેવાને બદલે, મુખ્યમંત્રીએ જાતે ગ્રાઉન્ડ ઝીરો પર જવાનો ર્નિણય કર્યો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ જમાવટ કરી છે, ત્યારે રાજ્ય સરકાર પણ પૂરી રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં માત્ર સમગ્ર રાજ્યની વરસાદી સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા જ નથી કરવામાં આવી, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી ઝડપી બનાવવા અને ભવિષ્યના પર્યાવરણને ધ્યાનમાં રાખીને નવી ઈફ પોલિસી લાવવા જેવા મહત્વના ર્નિણયો પણ લેવામાં આવ્યા છે.
વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિનો માત્ર રિપોર્ટ લઈને બેસી રહેવાને બદલે, મુખ્યમંત્રીએ જાતે ગ્રાઉન્ડ ઝીરો પર જવાનો ર્નિણય કર્યો છે. પ્રવર્તમાન સ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા અને રાહત કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે આવતીકાલે તેઓ સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે. અહીં તેઓ સીધા અસરગ્રસ્તોને મળશે અને તેમની સ્થિતિ જાણશે. આટલું જ નહીં, મુખ્યમંત્રીએ અન્ય મંત્રીઓને પણ મેદાનમાં ઉતરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે-તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ અને પ્રભારી મંત્રીઓને સ્થળની રૂબરૂ મુલાકાત લેવા જણાવાયું છે. આ પાછળનો મુખ્ય હેતુ એ છે કે વહીવટી તંત્રની કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપનની સજ્જતાની જમીની સ્તરે સીધી સમીક્ષા કરી શકાય.
ભારે વરસાદને પગલે રાજ્યમાં કેટલાક અત્યંત દુ:ખદ બનાવો પણ બન્યા છે. દીવાલ પડવા, વૃક્ષ ધરાશાયી થવા કે વીજળી પડવા જેવી વિવિધ ઘટનાઓમાં અકાળે જીવ ગુમાવનાર ૧૧ નાગરિકોને આજના મંત્રીમંડળ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કેબિનેટે દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સાંત્વના વ્યક્ત કરી હતી.
વરસાદી આફતની તાકીદની ચર્ચા વચ્ચે, રાજ્યના ભવિષ્યને લઈને પણ એક મોટો અને સકારાત્મક ર્નિણય લેવાયો હતો. ગુજરાતમાં પર્યાવરણ અનુકૂળ પરિવહન ને વેગ આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીએ એક મજબૂત અને સર્વગ્રાહી ‘ઈફ ચાર્જિંગ સ્ટેશન પોલિસી’ તૈયાર કરવા સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી છે. આ નવી પોલિસી આવનારા સમયમાં રાજ્યમાં ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનો (EV) ના વપરાશને વધુ સરળ અને વ્યાપક બનાવશે.





