
ગાંધીનગર ખાતે ચાલી રહેલી વિધાનસભાની પ્રશ્નોતરી દરમિયાન વિસાવદર મતવિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાના મતવિસ્તાર સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. ખાસ કરીને વિસાવદર વિસ્તારમાં કાશિયા નેસથી સાસણ સુધી જતા માર્ગના પ્રશ્નને લઈને તેમણે સરકારનું ધ્યાન દોર્યું હતું. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે કાશિયા નેસથી સાસણ સુધીનો માર્ગ ગીરના જંગલમાંથી પસાર થાય છે અને છેલ્લા લગભગ 20 વર્ષથી આ માર્ગનો પ્રશ્ન યથાવત રહ્યો છે. આ માર્ગ તાલાળા, મેંદરડા, વિસાવદર, ધારી તેમજ કાશિયા વિસ્તારના હજારો ખેડૂતો અને સ્થાનિક લોકોને સીધી અસર કરતો મહત્વનો માર્ગ છે.
ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ માર્ગને પાકો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વન વિભાગ સમક્ષ અત્યાર સુધી કોઈ રજુઆત કરવામાં આવી નથી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકાથી અનેક તાલુકાના ખેડૂતો અને લોકો આ માર્ગના પ્રશ્નને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં હજુ સુધી માર્ગનું કામ આગળ વધ્યું નથી, જે સરકારની નિષ્ક્રિયતા દર્શાવે છે. જો તમે કાશિયા નેસથી સાસણનો એક રોડ ન બનાવી શકતા હો, તો બીજી મોટી મોટી વિકાસની વાતો કરવાની કઈ જરૂર છે, એ વ્યાજબી વાત મને લાગતી નથી.




