
ગાંધીનગર વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે એક અત્યંત ગંભીર માહિતી સામે આવી છે. વિધાનસભાના માધ્યમથી મેં ગુજરાતના ગૃહમંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો, જે કાયદો-વ્યવસ્થા અને ગુપ્ત બાબતો સાથે સંકળાયેલો મહત્વનો મુદ્દો છે. પોલીસને 112 નંબર ઉપર આવતા તમામ ફોન અત્યંત મહત્વના હોય છે, જેમાં ક્રાઇમ, સાઇબર ક્રાઇમ, આંતરરાષ્ટ્રીય ધમકીઓ તેમજ સરહદી વિસ્તારો સાથે સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે. આવા તમામ સંવેદનશીલ અને રાજ્યની સુરક્ષા સાથે જોડાયેલા કોલ ગુપ્ત રહેવા જરૂરી છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે સમગ્ર સિસ્ટમ પ્રાઇવેટ કંપનીને સોંપવામાં આવી છે. 112 પર આવતો ફોન પહેલા પ્રાઇવેટ કંપનીના કોલ સેન્ટરમાં જાય છે, ત્યારબાદ કંપનીના કર્મચારીઓ દ્વારા આગળ મોકલવામાં આવે છે અને પછી પોલીસ સુધી પહોંચે છે. તેમણે જણાવ્યું કે આ સ્થિતિ દર્શાવે છે કે પોલીસ પ્રણાલીનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે. અગાઉ પણ વિધાનસભામાં જાણકારી મળી હતી કે પોલીસ ભાડે આપવામાં આવે છે અને હવે પોલીસની ગાડીઓ પણ પ્રાઇવેટ કંપનીને સોંપવામાં આવી છે. આ કંપનીને સરકારે 4 કરોડ 63 લાખ 34 હજાર 883 રૂપિયાનું ભાડું ચૂકવ્યું છે. પૈસા સરકારના, પોલીસ સરકારની અને કામગીરી પ્રાઇવેટ કંપની દ્વારા આવી વિસંગતનુ માળખુ?
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે 112ની ગાડીઓને ફિક્સ લોકેશન પર રાખવામાં આવે છે અને કાગળ ઉપર એવું દર્શાવવામાં આવે છે કે દસ મિનિટમાં સેવા ઉપલબ્ધ થશે. પરંતુ વાસ્તવમાં પોલીસ સ્ટાફનો સમય બગડે છે અને પોલીસ સ્ટેશનોમાં વાહનોની અછત ઉભી થઈ છે. અત્યાર સુધી 100 નંબર પર કોલ કરતા તે સીધા સરકારી કંટ્રોલ રૂમમાં જતા હતા, જ્યાં સરકારી કર્મચારીઓ દ્વારા જવાબ આપવામાં આવતો હતો. પરંતુ હવે 112 પર કોલ કરતા પ્રાઇવેટ કંપનીના કોલ સેન્ટરમાં જાય છે, જ્યાં નાગરિકોની વ્યક્તિગત અને સંવેદનશીલ માહિતી પ્રથમ પ્રાઇવેટ કંપની પાસે પહોંચે છે અને ત્યારબાદ પોલીસને આપવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આ વ્યવસ્થાથી નાગરિકોની ગુપ્તતા અને માહિતી સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. પરિવારીક વિવાદ, પ્રોપર્ટી ઝઘડા, સાઇબર ક્રાઇમ કે અન્ય કોઈ સંવેદનશીલ મુદ્દે કરવામાં આવેલા કોલ પહેલા પ્રાઇવેટ કંપની દ્વારા સંભાળવામાં આવે છે, જે ગંભીર ચિંતા ઊભી કરે છે. તેમણે ગુજરાત સરકારને માંગ કરી કે પોલીસ પ્રણાલીના આ પ્રાઇવેટાઇઝેશન અંગે સ્પષ્ટતા કરે અને આ નિર્ણય કોણે અને શા માટે લીધો તે અંગે ખુલાસો કરે. સાથે જ નાગરિકોની ગુપ્તતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગણી વ્યક્ત કરી હતી.





