સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થયા હતા સિંગાપોરમાં ફિલ્મી ઢબે દોઢ કરોડના હીરાની ચોરી કરનાર ભારતીયને જેલની સજા સુરતથી ખાસ ‘નકલી’ હીરો તૈયાર કરાવીને બંને આરોપી સિંગાપોરની જ્વેલરી શોપમાં પહોંચ્યા હતા સિંગાપોરમાં ફિલ્મી ઢબે આયોજન કરીને અંદાજે દોઢ કરોડ રૂપિયા (૧.૫૪ લાખ યુએસ ડોલર) કિંમતનો ૪.૯૫ કેરેટનો કિંમતી હીરો ચોરવાના મામલામાં અદાલતે એક ભારતીય નાગરિકને ૨ વર્ષ, ૨ મહિના અને ૨ અઠવાડિયાની જેલની સજા ફટકારી છે. આ ચોંકાવનારી ઘટનામાં બે ભારતીય નાગરિકો સંડોવાયેલા હતા, જેમણે પોતાની ચતુરાઈથી ચોરીને અંજામ તો આપી દીધો હતો, પરંતુ આધુનિક ટેકનોલોજી અને સીસીટીવી કેમેરાએ તેમના તમામ મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસમાં સજા પામેલા ૪૧ વર્ષીય તથા તેના ૩૦ વર્ષીય સાથનો પરિચય એક કોમન મિત્ર દ્વારા થયો હતો. તેમણે સિંગાપોર જતાં પહેલાં સુરત શહેરમાં અસલી હીરા જેવું જ કદ, વજન અને સીરિયલ નંબર ધરાવતો એક બનાવટી એટલે કે નકલી હીરો ખાસ તૈયાર કરાવ્યો હતો. ૧૯ જૂન ૨૦૨૬ના રોજ બંને જણા સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમની નજર ચાઇનાટાઉનમાં આવેલી ‘ડાયાનોશે જ્વેલરી’ નામની દુકાન પર હતી. તે જ દિવસે બપોરે અંદાજે ૩ વાગ્યે બંને આરોપીઓ ગ્રાહક બનીને દુકાનમાં દાખલ થયા અને વેચાણ માટે મૂકેલા હીરા બતાવવાની માંગ કરી હતી.પૂર્વ આયોજિત પ્લાન મુજબ, ૪૧ વર્ષીય આરોપીએ સેલ્સ મેનેજરનું ધ્યાન દુકાનની અન્ય વસ્તુઓ તરફ ખેંચીને ભટકાવ્યું. આ તકનો લાભ લઈને અન્ય સાથીએ પોતાના મોંમાં છુપાવેલો નકલી હીરો કાઢીને અસલી ૪.૯૫ કેરેટના હીરાની જગ્યાએ ગોઠવી દીધો અને અસલી હીરો પોતાના મોંમાં છુપાવી લીધો. આ સમગ્ર કરતૂત દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે રેકોર્ડ થઈ ગઈ હતી.ચોરી કર્યા બાદ બંને આરોપીઓએ તે જ સાંજે ભારત પરત ફરવા માટેની ફ્લાઈટનું બુકિંગ કરાવી લીધું. દરમિયાન દુકાનના સ્ટાફને હીરાની ચોરીની શંકા ગઈ હતી અને સીસીટીવી તપાસતા સમગ્ર ઘટના ધ્યાને આવી હતી. રાત્રે આશરે ૮:૫૦ વાગ્યે જ્યારે બંને જણા ચાંગી એરપોર્ટના ટર્મિનલ-૩ પર ઇમિગ્રેશન પ્રક્રિયા પાર કરી રહ્યા હતા, ત્યારે પોલીસ અને સુરક્ષાકર્મીઓએ તેમને ઘેરી લીધા. તલાશી લેતા એક આરોપીનીની બેગમાંથી ચોરી કરેલો અસલી હીરો મળી આવ્યો હતો.





