
(છગનલાલ મેવાડા ધ્વારા)
દેશભરની જેલોમાં જેલની ક્ષમતા કરતાં વધુ કેદીઓની સંખ્યા અને અમાનવીય સ્થિતિ અંગે કડક વલણ અપનાવી ને સુપ્રીમ કોર્ટે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૮ મે,૨૦૨૬ સુધી જેલો અંગેની સર્વગ્રાહી તાજી માહિતી સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે મહિલા જેલોની સંખ્યા અને તેમના માટે ઉપલબ્ધ સુવિધા અંગેની પણ માહિતી માંગી છે. સુપ્રીમ કોર્ટે જેલોમાં અમાનવીય સ્થિતિ અંગે સુઓ-મોટો કેસની સુનાવણી કરતાં આ આદેશ જારી કર્યો હતો.
આ કેસમાં એમિકલ ક્યુરી( ભાવનાત્મક ઉપચાર, ભાવનાત્મક તણાવ, ચિંતા અથવા ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે થાય છે.) તરીકે કોર્ટને મદદ કરી રહેલા સિનિયર એડવોકેટ ગૌરવ અગ્રવાલે ધ્યાન દોર્યું હતું કે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રેકોર્ડમાં મૂકેલા આંકડા છેક ૨૦૨૩ ના છે જે હવે જૂના થઈ ગયા છે. આ રજૂઆતની નોંધ લઈને કોર્ટે જણાવ્યુ કે આ મુદ્દાની ગંભીરતા અને યોગ્ય નિરાકરણ માટે તાજા અને સચોટ આંકડાઓ અનિવાર્ય છે. તેથી તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના અધિકારક્ષેત્રમાં આવેલી તમામ જેલોની અપડેટેડ અને વિગતવાર માહિતી રજૂ કરવાનો આદેશ આપવામાં આવે છે. આ આંકડાઓમા દરેક જેલની મંજૂર ક્ષમતા, કુલ કેદીઓની સંખ્યા,ક્ષમતા કરતાં વધુ કેદીઓની ટકાવારી, તેને ઘટાડવા માટેના પગલાં, મહિલાઓની જેલોની વિગતો, મહિલા કેદીઓ અને તેમના બાળકો માટેની સુવિધાઓ (શૈક્ષણિક અને આરોગ્ય સહિત) જેલ સ્ટાફની મંજૂર સંખ્યા, ખાલી જગ્યાઓ અને તેને ભરવા માટેના પ્રયાસો સહિતની તમામ માહિતી સામેલ કરવાની રહેશે.
કોર્ટે એ સ્પષ્ટ કર્યું હતું કે ૧ લી માર્ચ,૨૦૨૬ ની સ્થિતિ મુજબ દરેક જેલની ક્ષમતા અને કેદીઓની સંખ્યા દર્શાવતી સંપૂર્ણ વિગતો રજૂ કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ૧૮ મે સુધીમાં ગ્રહસચિવના સર્વગ્રાહી સોગંધનામા દાખલા કરવા પડશે. જેમાં જરૂરી વિગતો પૂરી પાડવાની રહેશે. સર્વોચ્ચ અદાલતે આ મામલાની વધુ સુનાવણી ૨૬ મે એ નિર્ધારિત કરી હતી.





