
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશમાં ચૂંટણીના પડઘમ વાગતાં જ શાસક અને વિપક્ષની બંને છાવણીઓના પક્ષો મતદારોને આકર્ષવા માટેજાહેરાતોનો મારો ચલાવે છે. આ સમયગાળા દરમ્યાન “મફત ભેટ” વહેંચવાની પ્રથા વધી રહી છે. થોડા સમય પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજય સરકારે “મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના” હેઠળ મહિલાઓના બેન્ક ખાતામાં રૂપિયા ૧૦,૦૦૦/- જમા કરાવ્યા હતા. તેવી જ રીતે પંજાબ સરકારે હવે “મુખ્યમંત્રી માવાં-ધિયાં સત્કાર યોજના” ને મંજૂરી આપી છે.
આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને રૂપિયા ૧૦૦૦/- મળશે. જ્યારે અનુસુચિત જાતિની મહિલાઓને રૂપિયા ૧૫૦૦/- મળશે. ૨૦૨૨ ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ધ્વારા આ એક મુખ્ય વચન આપવામાં આવ્યું હતું. આ એ વચન છે જે હવે આગામી ચૂંટણી ચક્રના એક વર્ષ પહેલા અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. પરિણામે, એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે શું રાજય સરકારે આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મહિલાઓને આ “મફત ભેટ”આપી છે?
થોડા વર્ષો પહેલા શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેઓ “લાડલી બહેન” યોજના ચૂંટણી પૂર્વે લાવ્યા અને પછી પ્રચંડ બહુમતીથી જીતી ગયા હતા. ત્યારબાદથી વિવિધ રાજકીય પક્ષોને તો જાણે ચૂંટણીમાં જીતવાની નવી ફોર્મ્યુલા મળી ગઈ. ત્યારબાદ મહારાષ્ટ્રથી માંડીને જ્યાં જ્યાં પણ ચૂંટણી યોજાય છે ત્યા શાસકથી માંડીને વિરોધ પક્ષો પણ જાતજાતની મફતમાં લ્હાણીઓ કરવા લાગ્યા છે અને આ રેવડી કલ્ચરની સામે ખુદ સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યકત કરી છે.
પરંતુ રાજકીય પક્ષોમાં સરકારોમાં કોઈ સુધારો જોવા મળતો નથી. અને હાલમાં પણ આ પ્રવૃત્તિ ચાલુ જ છે. જેમાં હવે પંજાબ પણ જોડાઈ ગયું છે. એક બાજુ આપણા પ્રધાનમંત્રી રેવડી કલ્ચરની વાત કરી વિપક્ષોની મજાક ઉડાવતા હતા. એમની જ પાર્ટી એ બિહારથી લઈ મધ્યપ્રદેશની ચૂંટણીઓમા રેવડીઓ વહેંચી ને જ સત્તા હાંસલ કરી છે. જેને એમ કહેવાય કે હું કરું તો લીલા અને બીજા કરે તો ભવાઈ એવો ઘાટ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે દેશભરમાં સરકારી યોજનાઓ જે રીતે ઉતાવળમાં લાગુ કરવામાં આવે છે તેની વારંવાર ટીકા થઈ છે. અને પ્રશ્નો ઊભા થયા છે. મફત ભેટો વહેંચવાનો આ ટ્રેન્ડ રાજયની તિજોરી પર બોજો મૂકે છે. અને ગયા માસે આ જ મુદ્દાને સંબોધતા સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યકત કરી હતી અને અવલોકન કર્યું હતું કે જ્યારે ઘણી રાજય સરકારો પહેલેથી જ દેવામાં ડૂબેલી છે. છતાં તેઓ મફત ભેટો વહેંચવાનું કેમ ચાલુ રાખે છે?
આ છે આપણા લોકશાહી દેશની સચ્ચાઈ જ્યાં મતદારો ખરીદાય છે અને સરકારો બનાવાય છે ત્યારે પાયાની સુવિધાની વાત કરનારા વર્ગની જો પીપૂડી પણ ના વાગતી ત્યારે અન્યની તો વાત જ શું?





