
હૈદરાબાદ કિંગ્સમેન સામે પેશાવર ઝાલ્મીની જીત પ્રેસ કોન્ફરન્સમાં કોહલીનું નામ સાંભળતા જ અકળાયો બાબર પ્રશ્નના જવાબમાં બાબરે કહ્યું, ચાલો આ વાત અહીં જ સમાપ્ત કરીએ, આવી વાતો તમારા સુધી જ રાખો પાકિસ્તાન સુપર લીગ (PSL) ૨૦૨૬માં બુધવારે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પેશાવર ઝાલ્મીનો સામનો હૈદરાબાદ કિંગ્સમેન સામે થયો હતો. બાબર આઝમની આગેવાની હેઠળની આ મેચમાં પેશાવર ઝાલ્મીએ ઇનિંગ્સના છેલ્લા બોલે ૧૪૬ રનનો ટાર્ગેટ ચેઝ કરીને જીત મેળવી હતી.
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે બાબર આઝમને તેની અને વિરાટ કોહલી વચ્ચે વારંવાર થતી સરખામણી વિશે પૂછ્યું જેમાં કહ્યું કે કોહલીને સામાન્ય રીતે મેચ ફિનિશ કરવામાં વધુ સફળ માનવામાં આવે છે. આ પ્રશ્ન સાંભળીને બાબર સ્પષ્ટપણે ગુસ્સે થઈ ગયો. પ્રશ્નના જવાબમાં બાબરે કહ્યું, ચાલો આ વાત અહીં જ સમાપ્ત કરીએ, આવી વાતો તમારા સુધી જ રાખો. સરખામણી બંધ કરો. એ તમારી ગેરસમજ છે કે મેં મેચ ફિનિશ કરી નથી. બાબરનો જવાબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જેનાથી ચાહકોમાં ચર્ચા શરૂ થઈ.
આ મેચમાં બાબર આઝમે પેશાવર ઝાલ્મીને મજબૂત શરૂઆત આપી. બાબરે ૩૭ બોલમાં ૪૩ રન બનાવ્યા, જેમાં ૬ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. આ દરમિયાન તેણે કુસલ મેન્ડિસ સાથે બીજી વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી નોંધાવી. જાેકે, ૧૫મી ઓવરના અંતિમ બોલ પર બાબર આઝમ આઉટ થયા પછી મેચ રોમાંચક વળાંક પર પહોંચી. અંતે ઇફ્તિખાર અહેમદના શાનદાર બેટિંગ પ્રદર્શનથી ટીમની જીત થઈ.
પાકિસ્તાન સુપર લીગની ચાલુ સીઝનમાં બાબર આઝમે અત્યાર સુધી ૨ મેચમાં ૮૨ રન બનાવ્યા છે, જેમાં ૪૧ની સરેરાશ અને ૧૨૬.૧૫નો સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો છે. આ જીત સાથે પેશાવર ઝાલ્મી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. પેશાવર ઝાલ્મી હવે કરાચી કિંગ્સ સામે તેની આગામી મેચ રમવા માટે તૈયાર છે.
બાબર આઝમ અને વિરાટ કોહલી વચ્ચેની સરખામણી લાંબા સમયથી ચાલી રહી છે. બંને બેટ્સમેન તેમની ક્લાસિક બેટિંગ ટેકનિક, સાતત્ય અને રેકોર્ડ માટે જાણીતા છે. પેશાવર ઝાલ્મીની જીત છતાં, બાબર આઝમનો આક્રોશ ખેલાડીઓ પર સતત સરખામણી કરવાના ભારે દબાણને દર્શાવે છે. આ ઘટના હવે PSL ૨૦૨૬ સીઝનમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો બની ગઈ છે, જેના કારણે ચાહકોમાં દરેક ખેલાડીની સતત સરખામણી કરવાની યોગ્યતા અંગે ચર્ચા ચાલી રહી છે.





