
સાઉદી અને કતાર આપશે ૫ અરબ ડોલર UAE નું દેવું ચૂકવવા માટે પાકિસ્તાને ફરી ફેલાવ્યો હાથ પાકે હાથ લંબાવ્યા બાદ સાઉદી અરેબિયા, કતાર મદદે આવ્યા આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને સંયુક્ત આરબ અમીરાત (UAE)ને દેવું ચુકવવાનો સમય નજીક આવી ગયો છે, ત્યારે પાકિસ્તાને હાથ લંબાવ્યા બાદ સાઉદી અરેબિયા અને કતાર તેની મદદે આવ્યા છે. બંને દેશો પાકિસ્તાનને લગભગ પાંચ અબજ ડૉલર (રૂ.૪૨,૦૦૦ કરોડ રૂપિયા)ની આર્થિક મદદ કરવાના છે.
મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાને આ મહિનાના અંત સુધીમાં UAE ને ૩.૫ અબજ ડૉલર (લગભગ રૂ.૨૯,૪૦૦ કરોડ રૂપિયા)નું દેવું ચુકવાનું છે. પાકિસ્તાનમાં ઘટી રહેલા વિદેશી મુદ્રા ભંડારના કારણે આ દેવું તેના પડકાર બનીને ઉભું હતું, જાેકે હવે સાઉદી અરેબિયા અને કતરે પાકિસ્તાનની વહારે આવીને તેની ચિંતા દુર કરી છે. પાકિસ્તાની નાણાં મંત્રાલયના સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં કહેવાયું છે કે, બંને દેશોની આર્થિક મદદ પાકિસ્તાનના નબળા પડેલા વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઘટાડી શકે છે. નાણાં મંત્રી મુહમ્મદ ઔરંગજેબ હાલ અમેરિકાની મુલાકાતે છે. તેઓ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન પહોંચી ગયા છે. આ બેઠક ૧૩થી ૧૮ એપ્રિલ સુધી યોજાવાની છે, જેમાં પાકિસ્તાનને નાણાંકીય સહાય આપવા માટે ચર્ચા થવાની સંભાવના છે.
બે દેશોની સહાય બાદ તાત્કાલીક નાણાંકીય જરૂરીયાતનો સામનો કરી રહેલા પાકિસ્તાને રાહત મળશે. પાકિસ્તાન સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ એપ્રિલના અંત સુધીમાં યુએઈને ૩.૫ અબજ ડૉલરનું દેવું ચુકવી દેશે. પાકિસ્તાન પર યુએઈનું દેવું ૨૦૧૮થી સતત વધતું જઈ રહ્યું હતું, જાેકે હવે પાકિસ્તાન સરકાર તે ચુકતે કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.





