
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારત રત્ન બંધારણના ઘડવૈયા,પ્રથમ કાયદાપ્રધાન અને ગરીબોના મસિંહા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મ જયંતી પ્રસંગે ડો. બાબા સાહેબ આંબેડકરની રિંગ રોડ સ્થિત પ્રતિમાએ પુષ્પાંજલિ અને સ્મરણાંજલિ નો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ દ્વારા સવારે ૧૦:૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર,પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પુષ્પાંજલિ બાદ ન્યુ ઓપેરા હાઉસ સુરત ખાતે કાર્યકરોની મીટીંગ રાખવામાં આવી હતી. આ મિટિંગ ને સંબોધતા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સૈયદભાઈ શેખે જણાવ્યું હતું કે, વાલ્મિકી સમાજ અન્ય સમાજો કરતા ઘણો જ પછાત છે અને તે શૈક્ષણિક દ્રષ્ટિએ પણ પછાત છે. આ સમાજનો ખરેખર વિકાસ થવો જોઈએ. આ સમાજનું આર્થિક શોષણ અટકાવવું જોઈએ અને તેઓને પૂરતો રોજગાર અને ન્યાય મળવો જોઈએ વાલ્મિકી સમાજ એ સંગઠિત થવું જોઈએ અને સંગઠિત થઈ તેઓના હક્કો માટે લડવું જોઈએ.
ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રમુખ ભાઈલાલ વૈષ્ણવે પ્રમુખ સ્થાનેથી જણાવ્યું હતું કે, વાલ્મિકી સમાજે સંગઠિત થઈ તેઓના અધિકારો માટે લડવું જોઈએ. ડો. બાબા સાહેબ આંબેડકરના શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો ના મંત્રને જીવનમાં ઉતારવા જોઈએ. વાલ્મિકી સમાજ સંગઠિત થઈ સંઘર્ષ નહીં કરે તો સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધશે નહીં. ત્યાં સુધી સમાજ પ્રગતિ કરી શકશે નહીં માટે સમાજે શિક્ષિત બની સંગઠિત થઈ સંઘર્ષ કરવો જોઈએ તો જ સમાજનું ભલું થશે. સમાજના ઉધ્ધાર અને વિકાસ માટે પણ સમાજના કાર્યકરોએ અંદર અંદરના મતભેદો, ઝઘડાઓને બાજુ પર મૂકી એક થઈ સમાજની પ્રગતિ માટે આગળ આવવું જોઈએ. ડો. બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણ આપ્યું અને બંધારણ દ્વારા આપણા સમાજને અનુસૂચિત જાતિ અને જનજાતિના સમાજને જે અધિકારો આપ્યા તે અધિકારોને પહેલાની સ્થિતિને વિચારવાની જરૂર છે. આપણો સમાજ ત્યાં હતો અને ડો. બાબા સાહેબ આંબેડકરના બલિદાન પછી સમાજની શું સ્થિતિ છે તે વિચારવાની જરૂર છે. અને એટલે સમાજે એકત્ર થઈ સમાજના વિકાસમાં કામગીરી કરવી જોઈએ.
દેશના વડાપ્રધાન દેશની મહિલાઓ માટે લોકસભા અને ધારાસભામાં મહિલા અનામતનો જે કાયદો લાવી રહ્યા છે અને તેના દ્વારા મહિલાઓને 33% અનામતની વાત કરી છે તેને અમો આવકારીએ છીએ અને સાથે સાથે અમો એવી પણ માંગણી કરીએ છીએ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત , નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જે તે 30% અનામતનું મહિલાઓને લાભ આપવામાં આવેલ છે તેમાં અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓને બાકાત રાખવામાં આવેલ છે તેના કારણે આ સમાજની મહિલાઓને ચૂંટણી લડવાના ખૂબ જ ઓછા ચાન્સ મળે છે . જો મહિલા માટે ૩૩% અનામત લોકસભા અને ધારાસભામાં લાવવા માંગતા હોય તો અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિની મહિલાઓને પણ તેનો લાભ મળવો જોઈએ. અને કાયદામાં તેની પણ જોગવાઈ કરવી જોઈએ ત્યાં સુધી આ સમાજની મહિલાઓનો ઉધ્ધાર શક્ય નથી. ખરેખર મહિલાઓના વિકાસ માટે જ આ કાયદો પસાર કરવામાં આવનાર હોય તો મહિલા મહિલાઓ વચ્ચે ભેદભાવ રાખવો જોઈએ નહીં અને અનુસુચિત જાતિ અને જનજાતિની મહિલાઓને પણ તેનો લાભ મળી રહે તે માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે પણ કાયદામાં જોગવાઈ કરવી જોઈએ. અને ૭ % અને ૧૪ % નો લાભ આ મહિલાઓને મળી રહે તે માટે કાયદામાં જોગવાઈ કરવી જોઈએ.
આ સંસ્થા દ્વારા વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા તેમજ તમામ રાજકીય પક્ષોના વડાઓને તેમજ મહામહિમ રાષ્ટ્રપતિને આ સમાજની મહિલાઓના વિકાસ માં કાયદામાં જોગવાઈ કરવા માંગણી કરવામાં આવી છે. આ મિટિંગમાં સમાજના કાર્યકરો શશીકાંત સોલંકી, કાંતિભાઈ સોલંકી, પ્રવીણભાઈ સોલંકી, અશોકભાઈ કંથારીયા, સુભાષભાઈ ઝાડે, મેડિકલ કોલેજના નિવૃત્ત પ્રોફેસર એસ.એલ કંથારીયા, મહામંત્રી વિશાલભાઈ મુન્શી અને વિગેરે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.





