
૨૦૨૧-૨૨થી ૪ વર્ષ સુધી ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર US હતું ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બન્યું ચીન, અમેરિકા ૨જા ક્રમે ધકેલાયું ગત નાણાકીય વર્ષ દરમિયાન ચીનમાં ભારતની નિકાસ ૩૬.૬૬ ટકા વધી હોવા છતાં માત્ર ૧૯.૪૭ અબજ ડોલરે પહોંચી છે
ભારત અને ચીનના રાજકીય સંબંધોમાં આવી રહેલા ઉતાર-ચડાવ વચ્ચે પણ વેપાર ક્ષેત્રે બંને દેશોની નિકટતા વધી રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં અમેરિકાને બીજા ક્રમે ધકેલીને ચીને ભારતના સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર તરીકે સ્થાન મેળવ્યું છે. ભારત-ચીનનો દ્વિપક્ષી વેપાર ૧૫૧.૧ અબજ ડોલર થયો છે, જેમાં ૧૧૨.૧૬ અબજ ડોલરની ખાધ ભારતે ભોગવી છે. વર્ષ ૨૦૨૪-૨૫ સુધીના ચાર વર્ષ દરમિયાન અમેરિકાએ ભારતના સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર તરીકે સ્થાન હાસલ કરેલુ હતું, પરંતુ હવે અમેરિકા બીજા ક્રમે ધકેલાયું છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન ચીનમાં ભારતની નિકાસ ૩૬.૬૬ ટકા વધી હોવા છતાં માત્ર ૧૯.૪૭ અબજ ડોલરે પહોંચી છે, જ્યારે ૧૬ ટકા વૃદ્ધિ સાથે ચીનમાંથી કરાયેલી આયાત ૧૩૧.૬૩ અબજ ડોલર રહી છે. આમ વેપાર ખાધ ૧૧૨.૬ અબજ ડોલર થઈ છે, જે ૨૦૨૪-૨૫માં ૯૯.૨ અબજ ડોલર હતી. અમેરિકા તરફ રવાના કરાયેલા શિપમેન્ટમાં નજીવો ૦.૯૨ ટકા વધારો થયો છે, જે ગત વર્ષમાં ૮૭.૩ અબજ ડોલર હતો. અમેરિકામાંથી કરાયેલી આયાત ૧૫.૯૫ ટકાની વૃદ્ધિ સાથે ૫૨.૯ અબજ ડોલર થઈ હતી. અમેરિકામાં વેપાર પુરાંત વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૪.૪ અબજ ડોલર રહી હતી, જે ૨૦૨૪-૨૫માં ૪૦.૮૯ અબજ ડોલર હતી. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ ૨૦૧૩-૧૪થી ૨૦૧૭-૨૮ દરમિયાન અને ૨૦૨૦-૨૧માં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર ચીન હતું. ચીન અગાઉ યુએઈ સાથે ભારતનો વેપાર સૌથી વધુ હતો. ૨૦૨૧-૨૨થી ચાર વર્ષ સુધી અમેરિકા સાથે સૌથી મોટો વેપાર થયો હતો. ભારતના અન્ય મહત્ત્વના ટ્રેડિંગ પાર્ટનરમાં નેધરલેન્ડ્સ, યુકે, સિંગાપોર, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સાઉથ આફ્રિકા અને મલેશિયાનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રશિયા, ઈરાક ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, કતાર અને તાઈવાનમાં ભારતની નિકાસ ઘટી હતી.





