
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશમાં આમ તો પ્રજાના પૈસે તાગડધિન્ના કરતાં અને પોતાની સાત પેઢી તારી જાય એટલી કમાઈ કરી રહેલી. આ રાજકીય જમાત પ્રજાજીવી એટલેકે પ્રજા ના પૈસે જ જીવી રહી છે ત્યારે તેમની સંખ્યામાં અડધોઅડધ વધારો પ્રજાની કમ્મર તોડી નાંખશે. એમાં કોઈ શંકા છે ખરી? કેમકે આપણે આપણાં આ માનવીય સાંસદો, વિધાનસભ્યો કે મંત્રીઓના પગાર, ભાડાભથ્થા કે બંગલાઓનો જ બોજ નથી ઉઠાવતા પણ તેમનો સ્ટાફ, તેમના વેતનો અને વળી તેમના માટે નવી કચેરીઓ, રહેઠાણો, નવો સ્ટાફ ઉપરાંત બંદૂકધારીઓની ફોજ એટલે કે સુરક્ષા વ્યવસ્થા તો ખરી જ એટલું જ નહીં વળી આ સેવકોને પેન્શન પણ પાછું આપણા ખિસ્સામાંથી જ જશે.
વળી હજુ પણ જુઓ કે આપણા જેવી ગરીબ પ્રજાના પેટ ચીરીને વસૂલાતા વેરા બાદ તેને આ ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્યો પાછળ ખર્ચવામાં આવે છે અને એ પૈકી આજની તારીખે માત્ર ચૂંટાયેલા સાંસદોનું દ્રષ્ટાંત લઈએ તો એ પૈકી ૪૬ ટકા જેટલા સાંસદો ઉપર ફોજદારી કેસ છે. એટલે કે આ સાંસદો પણ દૂધે ધોયેલા નથી. ઉપરાંત આ પૈકીના ૯૩ ટકા સાંસદો એટલે માનો ને કે મોટાભાગના સાંસદો તો કરોડપતિ જ છે કે જેમને સામાન્યત: આપણાં પૈસાની જરૂર ન હોય છતાં તેઓ બધા જ લાભો મોજથી લે છે. આવું જ કંઈક તમામ ધારાસભ્યોનું પણ છે. આ ઉપરાંત મહિને લાખો રૂપિયા ખરચતાં પણ ન મળે એવા બંગલામા દિલ્હીમા મફતમા રહેવા મળે
પરિવાર સાથે અને આ પરિવાર સાથે જ એમને ટ્રેનમા , વિમાનમાં મફત હવાઈ મુસાફરી,મફત તબીબી સહાય, સમર્પિત સ્ટાફ, સુરક્ષા જવાનો, વાહનો અને એમની પાછળ થનારો ખર્ચ પણ ઉમેરો તો મગજ ચકરાવે ચડી જાય એટલો જંગી ખર્ચ આપણા પર બોજ નાંખીને કરાશે. વળી કહેવા ખાતર તો ઉપરોક્ત એમપીએલએડી ફંડ મતક્ષેત્રના વિકાસ માટે અપાય છે. પરંતુ આ ભ્રષ્ટ કટકી યુગમા કોનો વિકાસ થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. વળી આ બાબત કોઈ ભાજપ, કોંગ્રેસ કે ડાબેરી-જમણેરીની નથી પણ કરવેરાના બોજથી કચડાતા તમામ આમ ભારતીયો અને તમામ રાજકીય પક્ષો વચ્ચેનો મુદ્દો છે. મારા તમારા પરસેવાની કમાણી પર વસૂલાતા આકરા વેરા થકી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ આ રાજકીય જમાતો બેરોકટોક કરી રહી છે. અને એ પણ આપણને પૂછ્યા વગર. આમ તો વાતે વાતે જનમત કે પ્રજા મતની વાતો કરનારા શાસકો કે નેતાઓને આટલી મોટી અને મહત્વની બાબતે પ્રજાનો મત લેવાનું કેમ સૂઝયું નહીં? પ્રજા મતની વાત તો જવા દો પણ તેઓ આપણને કેટલા તુચ્છ સમજે છે કે તેમણે આ બાબતે આપણને જરા સરખા વિશ્વાસમા લેવાનુય મુનાસિબ માન્યું નથી??





