
અમિત શાહ ગુજરાતની મુલાકાતે ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસ કાર્યો અને વિવિધ પ્રોજેક્ટ્સ અંગે બેઠકો યોજી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ કલેક્ટર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બે દિવસની ગુજરાત મુલાકાત લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને વહીવટી બાબતોની સઘન સમીક્ષા કરી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકનો ધમધમાટ રહ્યો હતો.
અમિત શાહે સરખેજ-ગાંધીનગર હાઈવે આધુનિકીકરણ, ચોમાસા પહેલા વૃક્ષારોપણ ઉપરાંત તળાવોના ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ, ગાંધીનગર લોકસભાની સાર્વજનિક હોસ્પિટલોની કામગીરી અને રમશે બાળક-ખીલશે બાળક અભિયાન સહિતની પદાધિકારીઓ સાથે વિવિધ બેઠકો અંગે સમીક્ષા યોજી હતી. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ કલેક્ટર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વર્તમાન સ્થિતિ જાેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહીવટી કાર્યક્ષમતા અને શિસ્તનો ઉત્તમ નમૂનો રજૂ કરતા કાર્યકરોને સૂચના આપી હતી કે, તેઓ તેમને રિસીવ કરવા માટે એરપોર્ટ પર ન આવે, જેથી પેટ્રોલ-ડીઝલનો ખોટો વ્યય અટકાવી શકાય. આ હેતુથી જ તેમણે પોતાની તમામ મહત્વની બેઠકો જાેધપુર ખાતેની દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસમાં જ યોજવાનું નક્કી કર્યું હતું. પ્રથમ બેઠકમાં ગ્રીન લોકસભા અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમની વિસ્તૃત સમીક્ષા કરી હતી. જેમાં તેમણે રેલવે ટ્રેક નજીક વૃક્ષારોપણ કરવા તેમજ લોકસભા વિસ્તારમાં નવા તળાવો બનાવવા અને જૂના તળાવોને ઊંડા કરવા અંગે ચર્ચા કરી હતી. ખાસ કરીને ચોમાસા પહેલા તળાવોના ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ અને તેના બ્યુટીફિકેશન પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, તળાવોને હરવા-ફરવા લાયક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા જાેઈએ અને ત્યાં બાળકો માટે પ્રવૃત્તિઓ શરૂ કરવી જાેઈએ.
બીજી બેઠકમાં ટ્રાફિક અને માળખાગત સુવિધાઓ અંગે સમીક્ષા યોજાઈ હતી. જેમાં વર્તમાન સમયમાં ચાલતા SG હાઈવે પર ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે અમિત શાહે NHAI ના અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. તેમજ નિર્માણાધીન બ્રિજની આસપાસ ડાયવર્ઝનમાં તકેદારી રાખવા અને મુખ્ય જંકશન પર ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે તેમણે ખાસ ટકોર કરી હતી. આ ઉપરાંત, તેમણે સરખેજ-ગાંધીનગર હાઈવેના આધુનિકીકરણ અંગે પણ બેઠક યોજી હતી.
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૈતૃક ગામ માણસાના રહીશોને આરોગ્ય સુવિધાઓ માટે દૂર ન જવું પડે તે હેતુથી ત્યાં આરોગ્ય ધામ બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે, જેની તૈયારીઓની સમીક્ષા GUDC ની બેઠકમાં કરવામાં આવી હતી. તેમણે ગાંધીનગર લોકસભાની સાર્વજનિક હોસ્પિટલોની કામગીરી અને રમશે બાળક – ખીલશે બાળક અભિયાનની પણ સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત સુરક્ષાના સંદર્ભમાં, અમદાવાદ પોલીસ કમિશનરે ક્રાઈમ રેટ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેના પર શાહે ગુનાખોરી પર કાબુ મેળવવા જરૂરી સૂચનાઓ આપી હતી. આમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બે દિવસીય પ્રવાસ દરમિયાન બેઠકો ધમધમાટ જાેવા મળ્યો હતો. જેમાં વર્તમાન સમયમાં વિકાસ કાર્યો અંગે સમીક્ષા યોજાઈ હતી.





