
મોંઘવારીનો ડામ CNG ભાવ ભડકે બળતા સ્કૂલ વર્ધીના ભાડામાં વધારાની તૈયારી ભાડા વધારા બાદ સીએનજીના ભાવમાં ૧૦નો વધારો ઝીંકાતા જૂનમાં એસોસિએશનની બેઠક મળશે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ની શરૂઆત પહેલા જ વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં CNG ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા હવે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો કરવાની ગંભીર ગતિવિધિઓ શરૂ કરવામાં આવી છે. વેકેશન ખૂલતાની સાથે જ વાલીઓ પર મોંઘવારીનો વધુ એક ડામ પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ અંગે આગામી જૂન મહિનાની શરૂઆતમાં એસોસિએશન દ્વારા એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ભાડા વધારા અંગે આખરી ર્નિણય લેવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર, સામાન્ય રીતે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા દર ૩ વર્ષે ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. જે અનુસાર, છેલ્લે ૧૧ જૂન, ૨૦૨૪ના રોજ ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, જેથી હવે પછીનો વધારો છેક વર્ષ ૨૦૨૭માં કરવાનો થતો હતો. પરંતુ, છેલ્લા ભાડા વધારા બાદ સીએનજીના દરમાં અણધાર્યાે અને તોતિંગ વધારો થયો છે. જેના કારણે એસોસિએશનને સમય પહેલા જ ભાડા વધારવાની ફરજ પડી રહી છે. ૨૦૨૪માં જ્યારે એસો. દ્વારા સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ભાડામાં વધારો કરવામાં આવ્યો ત્યારે સીએનજીનો ભાવ રૂ. ૭૬ આસપાસ હતા. જાેકે, હાલમાં સીએનજીનો ભાવ રૂ. ૮૬ને પાર પહોંચી ગયો છે. આમ, રૂ. ૧૦નો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે. એસોસિએશનના સભ્યોનું કહેવું છે કે, સીએનજીમાં પ્રતિ કિલો ૧૦ જેટલો મોટો વધારો થઈ ચૂક્યો હોવાથી જૂના ભાડામાં વાહન ચલાવવું હવે આર્થિક રીતે પોસાય તેમ નથી. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪માં ભાડું વધારાયું ત્યારે સીએનજીનો ભાવ રૂ. ૭૬ આસપાસ હતો, પરંતુ અત્યાર સુધીમાં તેમાં ¹ ૧૦નો વધારો થઈ ગયો છે. આ જ કારણે અમે જૂન માસની શરૂઆતમાં એસોસિએશનની એક ખાસ બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભાડું વધારવું કે નહીં તે અંગે વિગતવાર ચર્ચા કરીને ર્નિણય લેવાશે.જાે જૂન મહિનાની બેઠકમાં અપેક્ષિત વધારાને મંજૂરી મળી જશે, તો સ્કૂલ રિક્ષામાં રૂ. ૧૦૦ અને સ્કૂલ વાનના માસિક ભાડામાં રૂ. ૨૦૦ સુધીનો વધારો ઝીંકાઈ શકે છે. ૨૦૨૪માં સ્કૂલ વાનનું ૧ કિ.મી.નું ભાડું રૂ. ૧૨૦૦ અને સ્કૂલ રિક્ષાનું ભાડું રૂ. ૭૫૦ નક્કી કરાયું હતું. ત્યારબાદ ક્રમશ: ૧ કિ.મીના વધારા માટે સ્કૂલ રિક્ષામાં રૂ. ૧૦૦ અને સ્કૂલ વાનમાં રૂ. ૨૦૦નો વધારો નક્કી કરાયો હતો. જેથી ૫ કિ.મી. દૂરની સ્કૂલ માટે રિક્ષાનું ભાડું રૂ. ૧૧૫૦ અને સ્કૂલ વાનનું ભાડું રૂ. ૨૦૦૦ વસૂલવામાં આવે છે. હવે જાે નવો ભાવ વધારો અમલી બનશે, તો પ્રથમ ૧ કિ.મી. માટે રિક્ષાનું ભાડુ રૂ. ૮૫૦ અને સ્કૂલ વાનનું ભાડુ રૂ. ૧૪૦૦ સુધીનું થઈ શકે છે.





