
જેનિફર એનિસ્ટન અને એડમ સેન્ડલર જેવી મર્ડર મિસ્ટ્રીમાં કરીના સાથે કામ કરવું છે : સૈફ કરીના સાથે ફરી કામ કરવાની શક્યતા હજુ પણ છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે પાત્રો અને તેમની જાેડી કંઈક નવી અને અનપેક્ષિત લાગે સૈફ અલી ખાન અને કરીના કપૂરે ટશન, એજન્ટ વિનોદ અને કુર્બાન જેવી ફિલ્મોમાં પોતાની કેમિસ્ટ્રીથી દર્શકોને પ્રભાવિત કર્યાં છે. જાેકે, બંનેએ છેલ્લે એકસાથે સ્ક્રીન શેર કરી તેને હવે એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. એક ઇન્ટરવ્યુમાં સૈફે ખુલાસો કર્યાે કે તે અને કરીના સાથે ફિલ્મો કેમ નથી કરતદાં અને કયા પ્રકારની ફિલ્મ તેમને ફરી એકસાથે લાવી શકે છે.સૈફે જણાવ્યું કે સાથે કામ કરતી વખતે સૌથી મોટો પડકાર “સહજતા” છે. તેણે કહ્યું, “મને લાગે છે કે અસ્વસ્થતા અને સંઘર્ષ સારી કેમિસ્ટ્રી પેદા કરે છે. જ્યારે બધું ખૂબ આરામદાયક અને સરળ હોય, ખાસ કરીને જાે હું તેની સુવિધાની વધુ ચિંતા કરું, તો તે અભિનય માટે સારી સ્થિતિ નથી. મને હંમેશા લાગ્યું છે કે કંટાળાજનક સીન આપવો ખૂબ સરળ છે. સ્ક્રીનની બહારનું એક સુખી દંપતી સ્ક્રીન પર સાથે આવે, તેનાથી વધુ કંટાળાજનક કંઈ નથી.”સૈફે કહ્યું કે કરીના સાથે ફરી કામ કરવાની શક્યતા હજુ પણ છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે પાત્રો અને તેમની જાેડી કંઈક નવી અને અનપેક્ષિત લાગે. દાયકાથી લાંબા વિરામ પછી કયા પ્રકારની ફિલ્મ તેમને ફરી સાથે લાવી શકે તે અંગે વાત કરતાં સૈફે હોલિવૂડની પ્રેરણાનો ઉલ્લેખ કર્યાે. ખાસ કરીને જેનિફર એનિસ્ટન અને એડમ સેન્ડલરની નેટફ્લિક્સ ફિલ્મ સિરીઝ ‘મર્ડર મિસ્ટ્રી’જેવો કોઈ વિષય હોઈ શકે. તેમણે કહ્યું, “હું વારંવાર એ મર્ડર મિસ્ટ્રી વિશે વિચારું છું, જેમાં જેનિફર એનિસ્ટન અને એડમ સેન્ડલર હતાં. એક પતિ-પત્ની પોતાની લગ્નજીવનની રોમાંચકતા ફરી જીવંત કરે છે અને તે પણ એક મર્ડર મિસ્ટ્રી દ્વારા… એ વિચાર મને ઘણો રસપ્રદ લાગ્યો. કદાચ આવી કોઈ વાર્તા અમારી માટે પણ બની શકે.”સૈફ અને કરીના વચ્ચે પ્રેમની શરૂઆત ૨૦૦૭-૦૮ દરમિયાન ટશનનાં શૂટિંગ દરમિયાન થઈ હતી. તેમની મિત્રતા ધીમે-ધીમે પ્રેમમાં બદલાઈ અને લગભગ પાંચ વર્ષનાં સંબંધ બાદ ૧૬ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ મુંબઈમાં એક ખાનગી સમારોહમાં બંનેએ લગ્ન કર્યાં હતાં. સૈફે પોતાના હાથ પર કરીનાનાં નામનું ટેટૂ પણ કરાવ્યું હતું. આજે તેઓ બે પુત્રો – તૈમૂર અલી ખાન અને જેહ અલી ખાન –ના માતા-પિતા છે.કામની વાત કરીએ તો સૈફ અલી ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની’ની રાહ જાેઈ રહ્યો છે. રાહુલ ઢોળકિયા દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રતિક ગાંધી, દીપક ડોબરિયાલ, મિમી ચક્રવર્તી, સારિકા અને શ્રદ્ધા ડાંગર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ આ વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ઉપરાંત તેની પાસે પ્રિયદર્શનની ‘હૈવાન’ પણ છે, જેમાં સૈયામી ખેર અને અક્ષય કુમાર મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે. બીજી તરફ, કરીના કપૂર પોતાની આગામી ફિલ્મ ‘દાયરા’ની રાહ જાેઈ રહી છે. મેઘના ગુલઝાર દિગ્દર્શિત આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેની રિલીઝ ડેટની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.





