
૨૦૦૨માં કેસ ફાઈલ કરાયો હતો UK માં છૂટાછેડાના ૨૩ વર્ષ જૂના કેસમાં ગુજરાતી મહિલાને ૮૫ કરોડ મળશે છૂટાછેડાના કેસની કાર્યવાહી દરમિયાન પતિ ભદ્રેશ ગોહિલે પોતાની કરોડોની સંપત્તિની વિગતો છુપાવી હતી ૨૩ વર્ષ જૂના છૂટાછેડાના કેસમાં યુનાઈટેડ કિંગડમની એક અદાલતે મૂળ ગુજરાતી મહિલાની તરફેણમાં ચુકાદો આપી, મહિલાના પતિને ૬.૬ મિલિયન પાઉન્ડ (આશરે રૂ. ૮૫ કરોડ) ચૂકવવાનો આદેશ આપ્યો છે. યુકેની કોર્ટ ઓફ અપીલે, વર્ષા ગોહિલ નામની આ મહિલાની તરફેણમાં આપેલાં હાઈકોર્ટના ચુકાદાને બહાલ રાખતાં ૨૩ વર્ષથી ચાલી રહેલાં કેસનો અંત આવ્યો હતો. છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન પતિએ તેની પૂરે પૂરી સંપત્તિનો ખુલાસો નહીં કર્યાે હોવાના પુરાવા મળ્યાં બાદ ૨૦૦૨માં ફાઈલ કરાયેલાં આ કેસને થોડાંક વર્ષાે બાદ ફરીથી શરૂ કરાયો હતો. કેસની વિગતો અનુસાર, વર્ષા ગોહિલ નામની ત્રણ સંતાનોની માતાએ વ્યભિચાર અને અમાનવીય વ્યવહારના આક્ષેપોસર સોલિસિટર તરીકે કામ કરતાં પતિ ભદ્રેશ ગોહિલ વિરુદ્ધ છૂટાછેડાનો કેસ દાખલ કર્યાે હતો. જાેકે પાછળથી વર્ષાને જાણ થઈ હતી કે, યુકેના કાયદા અનુસાર આવશ્યક હોવા છતાં, તેના પતિ ભદ્રેશે કેસ દરમિયાન તેની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર નહોતી કરી. જેને પગલે તેણે પોતાનો કેસ ફરી ખોલવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ઘટનાની વિગતો અનુસાર, ૨૦૧૦ની આસપાસ મની લોન્ડરિંગના એક કેસમાં ભદ્રેશ ગોહિલ વિરુદ્ધ કરાયેલી તપાસમાં, તેણે વિદેશી કંપનીઓ અને ક્લાયન્ટ્સના એકાઉન્ટ્સમાં જંગી રકમ ટ્રાન્સફર કરી હોવાના પુરાવા મળી આવ્યાં હતાં. જેને પગલે ૨૦૧૧ની સાલમાં તેને મની લોન્ડરિંગ, છેતરપિંડી તથા ષડયંત્રના આરોપોસર ૧૦ વર્ષની જેલની સજા ફટકારાઈ હતી. આ જ કેસની તપાસમાં તેની પાસે ૨૮ મિલિયન પાઉન્ડ (આશરે રૂ. ૩૬૦ કરોડ)ની સંપત્તિ હોવાનું પણ બહાર આવ્યું હતું, જેની વિગતો તેણે છૂટાછેડાના કેસ દરમિયાન છુપાવી હતી. આ બાબતની જાણ થતાં જ વર્ષાએ ૨૦૧૫માં છૂટાછેડાનો કેસ ફરીથી શરૂ કરવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેને કોર્ટે માન્ય રાખી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન કોઈ વ્યક્તિ છુપાવીને રાખેલી સંપત્તિનો લાભ ના લઈ શકે. આ ચુકાદો હવે આગળ જતાં આ પ્રકારના કેસોમાં સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાશે.છુટાછેડાનો કેસ ફરીથી શરૂ થયાં બાદ ભદ્રેશની તમામ સંપત્તિને ગુનાઈત ગણવી કે તેનાં કેટલાંક હિસ્સાને ગેરકાયદે પ્રવૃત્તિમાંથી મેળવેલી આવક ગણવી તે મુદ્દે કાનૂની ગૂંચવાડો ઉભો થયો હતો. સરકારી પક્ષે ભદ્રેશની તમામ ૨૮ મિલિયન પાઉન્ડની સંપત્તિને ગેરકાયદે ગણવાની અપીલ કરી હતી. જાેકે વિવિધ તપાસના તારણોના આધારે કોર્ટે કુલ સંપત્તિમાંથી ૬.૬૬ મિલિયન પાઉન્ડની સંપત્તિ કાયદેસરની હોવાનું ઠેરવી આ રકમ વર્ષા ગોહિલને આપવાનો આદેશ કર્યાે હતો.





