
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતીય રાજકારણની તાસીર એવી છે કે રાજકારણીઓ લોકોને સલાહ આપતા ફરે છે, પરંતુ જ્યારે તેમને પોતાને નિયમોનું પાલન કરવાનું આવે છે ત્યારે બહારના બાજી કરતા જોવા મળે છે. આપણી લોકશાહીમાં નેતાઓની કથની અને કરણી અલગ અલગ હોય છે. નેતાઓનો ગર્ભિત ઈશારો તો એવો જ હોય છે કે અમે કહીએ એ કરવાનું અમે કરીએ એ નહીં.
કારણકે લોકશાહીમાં સત્તાધીશોને મળતી સૌથી વધુ સવલતોના કારણે તેમને (નેતાઓને) રાજાશાહી જીવન જીવવાની ટેવ પડી જાય છે. પક્ષ પલટા કરવા પાછળનાં અનેક કારણો પૈકી એક અને મહત્વનું કારણ સરકારી સવલતો ચાલુ રહે તે હોય છે. કેટલાકને બંગલાનો મોહ હોય છે. તો કેટલાકને આગળ પાછળ સિક્યુરિટી ફરે તેનો મોહ હોય છે. સત્તાની સાથે જ્યારે સરકારી બંગલો મળે ત્યારે લોકો પોતાની મનપસંદનો કલર, મનપસંદ બાથરૂમ એસેસરીઝ, બંગલાના પડદા, સિલીંગ ફેન વગેરે બદલાવે છે.
કેટલાક તો વળી પોતાની રીતે અલગ વિશાળ બંગલો ઊભો કરીને કાયમી વસવાટ મળ્યો હોય એમ તે તૈયાર કરાવે છે. આમ મફતમાં મળતું કોઈ જવા દેતું નથી. પરંતુ ભારતના આ અનિશ્ચિત રાજકારણમાંથી કોણ ક્યારે ફેંકાઈ જશે એ કહેવું મુશ્કેલ છે ત્યારે કેટલાક ખંધા અને ઉસ્તાદ રાજકારણીઓ જાણતા હોય છે કે સમય ગમે ત્યારે પલટાઈ શકે છે. તેમ સમજીને ભ્રષ્ટાચાર કરીને પોતાનું અલગ ફાર્મ હાઉસ ઊભું કરી દે છે. જેથી સરકારી બંગલો ખાલી કરવાનો વારો આવે તો બહુ વાંધો ના આવે.
હવે જ્યારે ભારતના રાજકારણીઓ પાંચ વર્ષ રાજ કર્યા પછી જ્યારે હારે છે ત્યારે સરકારે આપેલી બંગલા જેવી સવલતોને પોતાની માલિકીની સમજી બેસે છે. અને નબળા કાયદા ના છીંડા અને સત્તાધારી પક્ષ સાથેની મિલીભગતના કારણે સરકારી બંગલો ખાલી કરવામાં આ લોકો ઠાગા ઠૈયા કરતા હોય છે. ત્યાં નથી કોઈ બુલડોઝર ચાલતા કે નથી કોઈ ડિમોલેશન કરાતું કારણ ત્યાં સરકારી અધિકારીઓમાં નૈતિક હિમ્મતનો અભાવ હોવાથી બુલડોઝરો માત્ર ગરીબો પર જ ચાલતા હોય છે.





