
અમદાવાદ એરપોર્ટ પર સ્નિફર ડોગનો કમાલ બેંગકોકથી લવાયેલા હાઈડ્રોપોનિક ગાંજાની કરોડોની ખેપ પકડી પડાઈ કન્વેયર બેલ્ટ પર સ્નિફર ડોગના ઈશારાથી સ્મગલિંગ પકડાયું : સામાન્ય ગાંજા કરતાં ૧૦ ગણી વધુ કિંમત
અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી ૧૦.૯૧૧ કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજાે જપ્ત કર્યો છે. નોંધનીય છે કે, થાઇલેન્ડમાં ગાંજાના ઉપયોગને કાયદેસરની માન્યતા મળ્યા બાદ ગુજરાત સહિત ભારતમાં હાઈડ્રોપોનિક ગાંજાની દાણચોરીના બનાવોમાં વધારો થયો છે. મહત્ત્વનું છે કે, આ હાઈડ્રોપોનિક ગાંજાની હેરફેર સ્નિફર ડોગને લીધે ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટનામાં કસ્ટમ્સ વિભાગના ટ્રેઇન્ડ સ્નિફર ડોગની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી હતી. રૂટિન ચેકિંગ દરમિયાન જ્યારે કન્વેયર બેલ્ટ પરથી મુસાફરોનો સામાન પસાર થઈ રહ્યો હતો, ત્યારે સ્નિફર ડોગે એક ચોક્કસ ટ્રોલી બેગ પાસે શંકાસ્પદ હલચલ કરી હતી. આ ઈશારો મળતાં જ કસ્ટમ્સ અધિકારીઓએ તુરંત તે બેગના માલિકને અટકાવીને બેગનું એક્સ-રે અને મેન્યુઅલ ચેકિંગ હાથ ધર્યું હતું. બેગ ખોલતાં તેમાંથી કપડાંની વચ્ચે ચાલાકીથી સંતાડવામાં આવેલા ૫ સિલ્વર કલરના વેક્યૂમ-સીલ્ડ પેકેટો મળી આવ્યા હતા, જેમાંથી આ તીવ્ર ગંધવાળો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે, બંધ ઓરડામાં વાતાવરણમાં ઉગાડવામાં આવતો આ હાઈડ્રોપોનિક ગાંજાે સામાન્ય ગાંજા કરતાં બજારમાં દસ ગણી વધુ કિંમતે વેચાય છે. કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ, NDPS એક્ટ હેઠળ ડ્રગ્સ જપ્ત કરી આરોપી મુસાફરની ધરપકડ કરી લીધી છે. હાલમાં એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આરોપીના મોબાઈલની કોલ ડિટેઈલ્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે કે આ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો અમદાવાદ કે ગુજરાતમાં કયા લોકલ પેડલર્સને ડિલિવર કરવાનો હતો.





