
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજકાલ નાના-મોટા કામો પણ આધુનિક સાધનોની મદદથી કરવામાં આવે છે. પરંતુ પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગટરોની જોખમી સફાઈ કામગીરી ચાલુ રખાઇ છે. પરિણામે સેપ્ટીક ટાંકી અને ગટરની સફાઈ દરમિયાન મૃત્યુ એક સામાન્ય ઘટના બની ગઈ છે.
ગત અઠવાડિયે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુંડાડા વિસ્તારમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યાં ફેક્ટરીની સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે ઝેરી ગેસ નો ભોગ બનતા ત્રણ કામદારોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર સલામતીના ધોરણોની અવગણનાને ઉજાગર કરી છે. અહેવાલો અનુસાર કામદારોને કોઈપણ સલામતીની વ્યવસ્થા વિના સેપ્ટિક ટાંકીમાં મોકલવામાં આવ્યા હતા. જેના કારણે આ દુર્ઘટના બની હતી.
આ હકીકત સ્પષ્ટપણે દર્શાવે છે કે દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોર્ટના નિર્દેશોનો ગંભીરતાથી અમલ થઈ રહ્યો નથી. આ મુદ્દા અંગેના વિગતવાર આદેશમાં સર્વોચ્ચ અદાલત એ સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે સેપ્ટિક ટાંકી અને ગટરની મેન્યુઅલ સફાઈ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ.છતાં આપણા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારની દુર્ઘટના ના સમાચારો સમયાંતરે આવતા જ રહે છે. એ ગંભીર ચિંતા નો વિષય છે કે સલામતીના ધોરણોનું પાલન કરવાના કડક નિર્દેશો હોવા છતાં કામદારોને સાવચેતીના પગલાં વિના ગટર અને સેપ્ટિક ટાંકીમાં ઉતારવામાં આવે છે.
ઝેરી વાયુઓ વચ્ચે કામદારોને મોકલતા પહેલા ઓક્સિજનનું સ્થળ તપાસવા અથવા તેની શુદ્ધતાનું મૂલ્યાંકન કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવતો નથી. આમ આવા અકસ્માતોમાં જીવ ગુમાવનારા સફાઈ કામદારો ના પરિવારોને વળતર આપવા અંગે પણ કોઈ સ્પષ્ટ નીતિ નથી. વાસ્તવમાં ફક્ત કાગળ પર નિયમો ઘડવાથી પ્રણાલીગત સુધારો થતો નથી. જરૂરી છે કે તેનો કડક અમલ જમીન પર થાય અને આ પ્રકારના શરમજનક કલંકિત બનાવો થી કાયમને માટે મુક્તિ મળે એ જ ઇચ્છનીય છે.





