આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સામૂહિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિતના અગ્રણી નેતાઓ ખેડૂતોના સમર્થનમાં ઉપવાસ પર બેઠા છે. આ તકે મીડિયા સાથે વાતચીત કરતા ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરના ખેડૂતોની વિવિધ માંગણીઓના સમર્થનમાં અને હાલનો જે સૌથી સળગતો મુદ્દો છે, ખેતરોમાં વીજળીના થાંભલા (ટાવર) નાંખવાનો, તે મુદ્દે સામૂહિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા પ્રદેશના સૌ આગેવાનો, ખેડૂત પ્રતિનિધિઓ અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત થયા છે. છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં ભાજપના શાસનમાં દિવસે-દિવસે ખેડૂતો પાયમાલ થયા છે, ખેતી ભાંગી પડી છે અને ખેતમજૂરી કરતા લોકો હેરાન થયા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી ઊભી થઈ છે. ચાહે પાણીનો મુદ્દો હોય, વીજળીનો મુદ્દો હોય, પાકના ટેકાના ભાવનો મુદ્દો હોય કે જમીન રી-સર્વેનો મુદ્દો હોય, તમામ મોરચે ખેડૂતો અત્યંત દુઃખી છે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, તેવામાં હવે આ વીજળીના થાંભલાની એક નવી મોટી સમસ્યા આવી ગઈ છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી પોલીસ બંદોબસ્ત આપીને ખાનગી કંપનીઓની વીજ લાઈનો ખેડૂતોના ખેતરોમાં દાદાગીરી કરીને નાંખવામાં આવી રહી છે. આ અન્યાય સામે છેલ્લા લાંબા સમયથી અલગ-અલગ ગામડાના ખેડૂતોએ આંદોલન કર્યું, જેના કારણે આખરે સરકારે નમતું જોખવું પડ્યું છે. આમ તો ભાજપની આ સરકાર કંપની પ્રેરિત સરકાર છે, ખેડૂતો કે આમ જનતાની સરકાર નથી; પરંતુ ખેડૂતોનું દબાણ વધતાં તેમને છેતરવા, લલચાવવા અને ભ્રમિત કરવા માટે સરકારે ગઈકાલે મોટી-મોટી જાહેરાતો કરી દીધી. ખરેખર આ જાહેરાત ખેડૂતોના હિતમાં નથી, પરંતુ કંપનીઓના ફાયદા માટે છે. એટલા માટે જ આમ આદમી પાર્ટી ગુજરાતભરના ખેડૂતો, ખેતમજૂરો અને ગામડાંઓને બચાવવા માટે આજે ગાંધીનગરમાં સામૂહિક ઉપવાસ પર બેઠી છે.





