આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સામૂહિક ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિતના અગ્રણી નેતાઓ ખેડૂતોના સમર્થનમાં ઉપવાસ પર બેઠા છે. આ તકે મીડિયા સાથે વાતચીત કરતા ’આપ’ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ નથી મળતા અને કમોસમી વરસાદ કે કુદરતી આફત સમયે સતત તેમનું શોષણ થાય છે. આ મુદ્દે અમે ભાજપ સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ જ્યારે ખાનગી કંપનીઓ સાથે મળીને ખેડૂતોના ખેતરોમાં તેમની મંજૂરી કે યોગ્ય વળતર આપ્યા વિના મોટા ટાવરો નાખવાની કામગીરી શરૂ કરાઈ, ત્યારે ખેડૂતોને અન્યાય થયો અને આ અન્યાય સામે ખેડૂતોએ એક થઈને આંદોલન શરૂ કર્યું. ખેડૂતોની આ એકતાની જીત થઈ છે, કારણ કે જ્યારે આપણે હક માટે લડીશું ત્યારે જ કંઈક મેળવી શકીશું. જોકે, સરકારે હાલમાં ખેડૂતો માટે જે જાહેરાત કરી છે, તેનો અમે અભ્યાસ કર્યો છે અને તેમાં હજી પણ ઘણી બધી ખામીઓ તથા અસ્પષ્ટતા છે. આમ આદમી પાર્ટીએ ખેડૂતોની આ લડત શરૂઆતથી જ ચાલુ રાખી છે, જેના ભાગરૂપે અમે ગુજરાતમાં ૧૧ કિસાન મહાપંચાયતો યોજી, આશરે ૧૨,૦૦૦ જેટલા ગામોમાં બેઠકો કરી અને ખેડૂતો પાસે સહી ઝુંબેશ ચલાવીને મુખ્યમંત્રી સમક્ષ માંગણીઓ મૂકી હતી.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે, રાજ્ય કક્ષાએ (સ્ટેટ લેવલની) એક ન્યુટ્રલ ‘વળતર કમિટી’ બનાવવામાં આવે, જેમાં ખેડૂતોના પ્રતિનિધિઓ અને નિવૃત્ત ન્યાયાધીશ પણ સામેલ હોય. આ કમિટી તટસ્થ રીતે આગામી ૨૫ વર્ષ પછી જમીનની કિંમત અને કંપનીઓના નફાને ધ્યાનમાં રાખીને વળતરની નીતિ નક્કી કરે, જેથી ખેડૂતોને કાં તો વન-ટાઈમ યોગ્ય વળતર મળે, અથવા જમીનનું નિયમિત ભાડું મળે, અથવા તો કંપનીના નફામાંથી હિસ્સો મળે. પરંતુ, રાજ્ય સરકારે અત્યારે ફરીથી કલેક્ટર કક્ષાની કમિટી બનાવી દીધી છે. આવી સ્થિતિમાં જ્યારે કંપનીવાળા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચે છે., એક તરફ બિચારો એકલો ખેડૂત હોય અને બીજી તરફ કંપની તેમજ સરકારી અધિકારીઓનું આખું તંત્ર હોય, જેથી ખેડૂતને ક્યારેય ન્યાય મળી શકે નહીં. સરકારે જે વળતરમાં વધારો આપ્યો છે, તે માત્ર ૧૨૭ રૂપિયાની આસપાસ જ છે, જ્યારે ખેડૂતોની માંગણી ઘણી વધારે હતી. વળી, જે જમીનમાં આવા મોટા ટાવરો ઊભા કરી દેવામાં આવે, તે જમીનની કિંમત ભવિષ્યમાં સાવ ઘટી જાય છે; જે જમીનનો ભાવ આજે વીઘાના ૩૫ થી ૪૦ લાખ રૂપિયા હોય, તે ઘટીને માંડ ૧૦ લાખ રૂપિયા થઈ જાય છે અને ખેડૂત ભવિષ્યમાં પોતાની એ જમીન સરળતાથી વેચી પણ શકતો નથી. આ બહુ મોટી બાબતો છે જેના પર સરકારે હજી સુધી કોઈ ક્લેરિટી કરી નથી, એટલા માટે જ આજે અમે ગાંધીનગરમાં આ તમામ માંગણીઓ સાથે જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ પદાધિકારીઓ અને પ્રદેશ નેતૃત્વ સાથે એક દિવસના સામૂહિક ઉપવાસ પર બેઠા છીએ. અમે ખેડૂતોને વિશ્વાસ અપાવીએ છીએ કે કોઈપણ મૂંઝવણ વિના અમારા પર પૂરો ભરોસો રાખજો, અમે તમને ન્યાય અપાવીને જ જંપીશું અને જો સરકાર સીધી રીતે ન્યાય નહીં આપે, તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે સત્યાગ્રહ કરીને પણ સરકાર પાસેથી ખેડૂતોનો ન્યાય છીનવી લઈશું.





